એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના કુલપતિને ટીવાયના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના પરિણામે પરીક્ષાને ૧૦ દિવસ પાછી લઈ જવા રજૂઆત કરવામાં આવી હતી. હાલ યુનિ. દ્વારા ટીવાય અને અન્ય પરીક્ષાના ટાઈમટેબલ બહાર પાડવામાં આવ્યા છે. જેમાંની ટીવાયની પરીક્ષાએ પ-ર-ર૦૧૮થી શરૂ થશે. ટીવાયનું સત્ર એ ર૯-ર-ર૦૧૮ના રોજ પૂર્ણ થાય છે અને પરીક્ષા પ-૩-ર૦૧૮ના રોજ ગોઠવવામાં આવી છે તે બન્ને વચ્ચેનો સમયગાળો ખૂબ ઓછો છે.
વાર્ષિક પદ્ધતિમાં ટીવાયનું મેરીટ એ મુખ્ય મેરીટ ગણાતું હોય છે. આવા સંજોગોમાં ટીવાયમાં સારૂ મેરીટ મેળવવા માટે દરેક વિદ્યાર્થીઓ પ્રયાસ કરતા હોય છે ત્યારે આ પ થી ૬ દિવસના સમયગાળામાં પુરા સત્ર (વાર્ષિક)ની તૈયારીઓ કરવી યોગ્ય સમય રહેતો નથી અને યુનિ.ના વિદ્યાર્થીઓ શાર્ક ફેસ્ટીવલમાં પણ ભાગ લેવા જવાના છે. જેમના ઘણા વિદ્યાર્થીઓએ ટીવાયમાં અભ્યાસ કરનારા છે. ઘણા અભ્યાસક્રમમાં સત્ર પૂર્ણ થતાની સાથે પણ અભ્યાસક્રમ પૂર્ણ થઈ શકે તેમ નથી. સત્ર શરૂ થયું ત્યારથી વિદ્યાર્થીઓને વેકેશન સમયગાળો ખૂબ વધુ રહ્યો છે તેના કારણમાં ચૂંટણી, દિવાળીનું વેકેશન, રીનોવેશન, સેમેસ્ટરની પરીક્ષા જેવા અનેક કારણોથી દિવસો પુરા થયા નથી. ત્યારે વિદ્યાર્થીઓના ભાવી તથા તેમના પરિણામ પર અસર ન પડે તે માટે આ ટીવાયની પરીક્ષાને ૧૦ દિવસથી વધુ સમય પછી શરૂ કરવા એબીવીપીના નગરમંત્રી બ્રિજરાજસિંહ ગોહિલ, રવિરાજસિંહ સરવૈયા, પૃથ્વીરાજસિંહ, હરવિજયસિંહ, કુલદિપસિંહ, યુવરાજસિંહ, યશરાજસિંહ, રવિ આહિર દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજૂઆત કરી હતી.કુલપતિ દ્વારા બુધવાર સુધીમાં હકારાત્મક નિર્ણય દેવાની ખાતરી આપી હતી. જો બુધવાર સુધીમાં હકારાત્મક નિર્ણય ન થાય તો એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.