નાણામંત્રી નિર્મલા સીતારામને ૨૦૧૯ના સામાન્ય બજેટમાં ઇલેક્ટ્રીક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરી છે. બજેટમાં ઇલેક્ટ્રિક ગાડીઓ ઉપર જીએસટી રેટ ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ખરીદવા માટે લેવામાં આવેલા લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર ૧.૫ લાખ રૂપિયાની વધારાની ઇન્કમટેક્સ છુટછાટ પણ આપવામાં આવશે. સરકાર આ પગલાથી ઇલેક્ટ્રિક ગાડીઓને લોકો માટે સસ્તી કરવા માંગે છે. બજેટ રજૂ કરતી વેળા નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક ગાડી અને તેમાં ઉપયોગ કરવામાં આવતી બેટરી માટે પણ રાહતો મળશે. આ ઇન્સેન્ટીવ ફેમ-૨ યોજના હેઠળ આપવામાં આવશે. ફેમ-૨ યોજનાનો હેતુ યોગ્ય પ્રોત્સાહન અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને ઝડપથી પ્રોત્સાહન આપવાનો રહેલો છે. બજેટથી પહેલા આર્થિક સર્વેમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની વાત કરવામાં આવી હતી જેમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મેન્યુફેક્ચર્સ અને યુઝરને આપવામાં આવતા ઇન્સેન્ટીવથી વધુ સારા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોવાની વાત કરી હતી. પેટ્રોલ અને ડિઝલથી ચાલતી ગાડીની સરખામણીમાં બેટરીથી ચાલતી ગાડીઓની રેંજ ઓછી છે. ઇલેક્ટ્રિક કારને ફાસ્ટ ચાર્જથી ચાર્જ કરવા માટે દોઢ કલાકનો સમય લાગે છે જ્યારે લો ચાર્જર્સથી ચાર્જ કરવા માટે આઠ કલાકનો સમય લાગે છે. આ એક મહત્વપૂર્ણ પોલિસી મામલો છે. દેશમાં યુનિવર્સલ ચાર્જિંગ પોલિસી લાવવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મોટાપાયે રોકાણની જરૂર દેખાઈ રહી છે. બેટરી કોઇપણ ઇલેક્ટ્રિક ગાડી માટે સૌથી મહત્વપૂર્ણ છે જેથી યોગ્ય બેટરી ટેકનોલોજીમાં વિકાસ માટે વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભારતના ઉંચા તાપમાનની સ્થિતિમાં પણ સારી સ્થિતિમાં કામ કરી શકે તે પ્રકારની બેટરી લાવવાની જરૂર છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતના નેતૃત્વમાં કમિટિએ તબક્કાવારરીતે ઇલેક્ટ્રિક ગાડીઓને રોલઆઉટ કરવા અને બેટરી મેન્યુફેક્ચરિંગ ફેક્ટ્રીઓ સ્થાપિત કરવા માટેની રુપરેખા તૈયાર કરી છે જે હેઠળ ૨૦૨૩થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ અને ૨૦૨૫થી માત્ર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સના સાધનોનું જ વેચાણ કરવામાં આવશે.