શેરબજાર : બજેટના દિવસે જ ૩૯૫ પોઇન્ટનો ઘટાડો

390

શેરબજારમાં આજે બજેટના દિવસે નિરાશા જોવા મળી હતી. કેન્દ્રીય બજેટ ૨૦૧૯-૨૦થી મૂડીરોકાણકારો વધારે પ્રભાવિત થયા ન હતા. બીએસઈ સેંસેક્સ આજે એક વખતે બજાર ખુલ્યા બાદ ૪૦૦૦૦ની સપાટીને કુદાવી ગયો હતો પરંતુ અંતે ઇન્ડેક્સ ઉંચી સપાટીથી ૫૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૩૯૫ પોઇન્ટ ઘટીને ૩૯૫૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો તેમાં યશ બેંક, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૩૬ પોઇન્ટ ઘટીને ૧૧૮૧૧ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૨૦૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૭૨૬ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૧૯૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૧૪૨ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક અને અન્ય સિવાય તમામમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક અને નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં સુધારો રહ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં સુધારા માટે કેટલાક પરિબળો જવાબદાર રહ્યા હતા. નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી કે, સરકાર જાહેરક્ષેત્રની બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવશે. બજારની સ્થિતિને સુધારવા અને બેંકોની સ્થિતિને મજબૂત કરવાની જાહેરાત કરાઈ હતી. મેટલ, રિયાલીટી અને ઓટો કાઉન્ટર ઉપર સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજેટમાં ઓટો પાટ્‌ર્સ, મેટલ અને અન્ય સાધનો જે કેપિટલ ગુડ્‌ઝના નિર્માણમાં ઉપયોગમાં આવે છે તેમના માટે આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યા બાદ બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. દરેક ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો.  શેરબજારમાં બજેટના એક દિવસ પહેલા કારોબારના અંતે સેંસેક્સ ૬૯ પોઇન્ટ ઉછળીને ૩૯૯૦૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૩૦ પોઇન્ટ ઉછળીને ૧૧૯૪૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ જૂન મહિનામાં જંગી નાણાં ઠાલવી દીધા છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૨૨૭૨.૭૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૮૧૧૧.૮૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ મૂડીરોકાણનો આંકડો ૧૦૩૮૪.૫૪ કરોડ સુધી પહોંચી ગયો છે.

Previous articleઇલેક્ટ્રિક ગાડી ખરીદી પર ટેક્સમાં ૧.૫ લાખની છુટ
Next articleબજેટને લઇ ઉદ્યોગપતિઓનો મિશ્ર પ્રતિસાદઃ અપેક્ષા પ્રમાણેનું બજેટ નથી