સરદાર બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનાર ૨૩ વર્ષિય યુવકને લોકોએ બચાવી લીધો હતો. અને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, પરણીત પ્રેમિકાએ તું મરી જા એવું કહેતા તાપી નદીમાં કૂદી ગયો હતો.
ડિંડોલીમાં રહેતો અને એસબીઆઈના લોન વિભાગમાં કામ કરતો ૨૩ વર્ષીય યુવક અઠવાલાઈન્સ ખાતે ગયો હતો. ત્યારબાદ સરદાર બ્રિજ પરથી કૂદી ગયો હતો. જોકે, નીચે કાદવમાં ફસાઈ ગયો હતો. લોકોને જાણ થતા યુવકને બહાર કાઢી લાવ્યા હતા. અને ૧૦૮ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં યુવકે જણાવ્યું હતું કે, તેના પિતા રિક્ષા ચાલક છે અને પરિવારનો એકનો એક પુત્ર છે. છેલ્લા ૪ વર્ષથી એક છોકરીને પ્રેમ કરતો હતો. જે છોકરીના અઠવાડિયા પહેલા તેના પરિવારે લગ્ન કરાવી દીધા હતા. અમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હતા પણ તેનો પરિવાર રાજી નહતો. આજે પ્રેમિકા અને તેનો પતિ અઠવા ખાતે મળવા આવ્યા હતા. પ્રેમિકાના પતિએ જિંદગી બરબાદ કરી નાખવા સુધીનું કહ્યું હતું. જેથી પ્રેમિકાએ કહ્યું હતું કે, જિંદગી બરબાદ થઈ જાય તેના બદલે તું મરી જા. પ્રેમિકાના આ વાક્યોથી માઠું લાગી આવતા પ્રેમીએ સરદાર બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી.