સુઈ રહેલા આધેડને દાંતીનો ઘા મારીને હત્યા કરાઈ

430

ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદના ખાંટવાસમાં ગઈકાલે સાંજના સમયે ઘરની આગળ ખાટલામાં સુઈ રહેલા આધેડને ફળીયામાં જ રહેતા યુવાને દાંતીનો ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી છે. આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આધેડની દીકરીની ફરિયાદના આધારે યુવાન સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામના ખાંટવાસમાં વડવાસીયા ફળીમાં રહેતા પ્રવિણજી બદાજી ઠાકોરના પરિવારમાં પત્નિ, બે દિકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. પ્રવિણજી છુટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતા.

ગઈકાલે સાંજના સમયે પ્રવિણજી તેમના ઘર આગળ ઓસરીમાં ખાટલામાં સુઈ રહયા હતા તે દરમ્યાન ફળીયામાં જ રહેતો બુધાજી સેંધાજી ઠાકોરે અચાનક આવીને તેમના ગળાના ભાગે દાંતીનો ઘા મારી દીધો હતો. જેે ઘા મારી આ યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી આ ઘટના અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ પ્રવિણજીનું મોત નીપજયું હતું.

જેથી આ અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી દીકરી આરતીની ફરિયાદના આધારે બુધા સેંધાજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે. જો કે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી તે હજુ સુધી બહાર આવ્યું નથી. આરોપી પકડાયા બાદ જ પોલીસને હત્યાનું સચોટ કારણ મળવાની શક્યતા જોવાઈ રહી છે.

Previous articleપ્રેમિકાએ મરવાનું કહેતા પ્રેમીએ બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી
Next articleમળવા બોલાવીને લોકોને લૂંટતી યુવતી સહિત ૫ શખસો ઝડપાયા