કોઇ વ્યક્તિને એવો અહેસાસ થાય કે, આ એક વિકટ સમસ્યા છે અને આગામી દિવસોમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તો શું કરવું જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ મિત્તલ પટેલે પુરુ પાડ્યું છે.
મિત્તલ પટેલનાં એક નિશ્ચયે બનાસકાંઠા જિલ્લાનાં ૪૫ ગામોમાં ૮૭ તળાવો ઊંડા કરી એ નવું અભિયાન ઉપાડ્યું અને હજ્જારો લોકો તેમા જોડાયાં. વાત પ્રેરક અને રસપ્રદ છે.
મિત્તલબેન પટેલ ૨૦૦૬નાં વર્ષથી ગુજરાતમાં વિચરતા-વિમુક્ત સમુદાયો સાથે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે કામ કરે છે. આ માટે તેમણે વિચરચા-વિમુક્ત સમુદાય સમર્થન મંચની સ્થાપના કરી છે. છેવાડાનાં વિચરતા-વિમુક્ત સમુદાયોને મતદારકાર્ડ મળે અને એ દ્વારા તેમને સરકારની અન્ય યોજનાઓનો લાભ મળે એ માટે તેમણે સમગ્ર દેશમાં દાખલારૂપ કામ કર્યું છે.
“વિચરતા-વિમુક્ત સમુદાયનાં લોકોને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં મળવા જવાનું થાય ત્યારે એ ગામોમાં લોકોને પણ મળવાનું થતું. આ પ્રસંગે મેં પીવાનાં અને સિંચાઇનાં પાણીનાં સ્ત્રોતો વિશે પણ પુછ્યું. આ મુલાકાતોમાં મેં જાણ્યું કે, સિંચાઇની વ્યવસ્થા ન હોય તે વિસ્તારોમાં લોકો ભુગર્ભજળનો ઉપયોગ કરતા.
તળાવો મૃતપ્રાય પડ્યા હતા. દિવસે-દિવસે તળ ઊંડા ઉતરતા ગયા. મને આશ્ચર્ય લાગ્યું કે. લોકો તળાવો કેમ ગાળતા નથી. આ સવાલ જ્ઞાતિ-ધર્મથી પર સૌને સ્પર્શતો હતો અને મને લાગ્યું કે, આ કામ તાત્કાલિક કરવાની જરૂર છે અને એટલે ૨૦૧૫નાં વર્ષમાં આસોદર ગામથી આ કામ શરૂ કર્યું અને તેના પરિણામાં સારા મળ્યાં,” મિત્તલ પટેલે જણાવ્યું.
તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાએ છેલ્લા ચાર વર્ષમાં જળવાયુ પરિવર્તનથી કેવી વિપરીત અસરો થાય છે તેનો જાત અનુભવ કર્યો. કેમ કે, ૨૦૧૫માં બનાસકાંઠામાં પુર આવ્યું, ૨૦૧૬માં અછત આવી, ફરી ૨૦૧૭માં પુર આવ્યું અને ૨૦૧૮માં બનાસકાંઠામાં દુષ્કાળની સ્થિતિ આવી.