રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા જ આજે ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમી જામી હતી. બપોર બાદ નવા રાજકીય ડ્રામા વચ્ચે અપેક્ષા મુજબનો વળાંક આવ્યો હતો. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજયસભાની ચૂંટણીમાં મતદાન દરમ્યાન કોંગ્રેસ પક્ષ દ્વારા જારી વ્હીપથી વિરૂધ્ધ જઇ ક્રોસવોટીંગ કર્યા બાદ પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. આજે બન્ને ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું હતું, જેને પગલે રાજકીય માહોલ ગરમાયો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં આ બન્ને ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મતદાન કર્યા બાદ આ બન્ને ધારાસભ્યોએ વારાફરતી વિધાનસભા અધ્યક્ષને મળીને ધારાસભ્યપદેથી રાજીનામાનો પત્ર સોંપ્યો હતો. અધ્યક્ષે બંને ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો. તો બીજી બાજુ કોંગ્રેસે પણ આ બન્ને ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરવા બદલ ગેરલાયક ઠેરવવા માટેની કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના લીગલ એડવાઈઝર બાબુ માંગુકીયા અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને મળવા દોડી ગયા હતા. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો જીતી હતી. આ પહેલા કુંવરજી બાવળિયા અને ડો.આશા પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસની સભ્ય સંખ્યા ૭૫ પર આવી હતી. ત્યારબાદ જવાહર ચાવડા, વલ્લભ ધારવિયા, પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપતા વિધાનસભામાં કોંગ્રેસના ૭૨ ધારાસભ્ય જ રહ્યા હતા. જ્યારે તાલાલાના ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો કેસ કોર્ટમાં છે. એ પછી હવે આજે ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામા આપતા વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૭૭થી ઘટીને ૬૯ થયું છે.
જે કોંગ્રેસ માટે બહુ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. અલ્પેશે રાજીનામુ આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેમના સમર્થકો કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી દેવા માટે વાત કરી રહ્યા હતા. પોતાના સમાજના હિતની બાબતને ધ્યાનમાં લઇને તેઓએ રાજીનામુ આપ્યું છે. વિકાસના કોઇ કામ આગળ વધી રહ્યા ન હતા. પાર્ટીમાં તેમના સમાજની ઉપેક્ષા થઇ રહી હતી. કોંગ્રેસ પાર્ટીના લોકો કાવતરા ઘડી રહ્યા છે હજુ પણ ઘડતા રહેશે.