ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ ગઇકાલે અમદાવાદ શહેરમાં નગરચર્યા કરી નિજમંદિરે પરત ફર્યા બાદ આજે વહેલી સવારે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની નજર ઉતાર્યા બાદ સૌ સાધુ-સંત અને શ્રધ્ધાળુ ભકતોની ઉપસ્થિતિમાં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવ્યો હતો અને વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની ત્રણેય કાષ્ઠ મૂર્તિઓનું મૂળ સ્થાને પ્રતિષ્ઠાપન કરાયું હતું. મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની આરતી ઉતારી એ વખતે નિજમંદિર ફરી એકવાર જય જગન્નાથ, જય રણછોડ-માખણચોરના નારાઓથી ગુંજી ઉઠયું હતું અને સુંદર ભકિતવિભોર માહોલ છવાઇ ગયો હતો. વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો જગન્નાથ મંદિરે દર્શનાર્થે ઉમટયા હતા. રથયાત્રાના બીજા દિવસે પણ હજારો શ્રધ્ધાળુઓએ ભગવાનના દર્શન માટે પડાપડી કરી હતી. ગઇકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથ નિજમંદિરે પરત ફર્યા ત્યારબાદ મહંત દિલીપદાસજી દ્વારા ભગવાનની રથમાં જ શયનઆરતી ઉતારવામાં આવી હતી તે પ્રસંગે હજારો શ્રધ્ધાળુ ભકતો ભકિતરસમાં ભાવવિભોર બન્યા હતા.
જો કે, ભગવાને રાતભર મંદિર પ્રાંગણમાં રથમાં જ રાતવાસો ગુજાર્યો હતો. તેની પાછળની પૌરાણિક પ્રચલિત દિવ્યકથા એવી છે કે, લક્ષ્મીજીને પૂછયા વિના ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રને લઇને નગરચર્યાએ નીકળી જાય છે, તેથી લક્ષ્મીજી ભગવાનથી નારાજ થઇ જાય છે કે આટલી મોટ નગરચર્યામાં તમે મને એકલી મૂકીને ભાઇ-બહેન સાથે જતા રહ્યા પણ મને સાથે ના લઇ ગયા, એમ કહી રિસા ગયા હતા અને તેથી રાતભર તેઓ ભગવાન માટે દરવાજો ખોલતા નથી. જેના પરિણામે ભગવાનને આખી રાત રથમાં જ પસાર કરવી પડે છે. બીજા દિવસે વહેલી સવારે ભગવાન બહુ વિનંતી કરી લક્ષ્મીજીને મનાવવામાં સફળ થઇ જાય છે અને તેમને પ્રવેશની મંજૂરી આપે છે. જેથી ભગવાને આખી રાત રથમાં જ પસાર કર્યા બાદ વહેલી સવારે મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની નજર ઉતારી તેઓને પોંખ્યા હતા અને સૌ સાધુ-સંતો, મહંતો અને શ્રધ્ધાળુ ભકતોની હાજરીમાં ભારે કાળજીપૂર્વક ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની કાષ્ઠની મૂર્તિઓને ફરી નિજમંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવી વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ, તેનું પ્રતિષ્ઠાપન કરાયું હતું. એ પછી ભગવાનની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. નિજમંદિરમાં પરંપરા મુજબ, ફરી ભગવાનની પૂજા અને આરતીનો પ્રારંભ જોઇ ભાવિકભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. સૌકોઇ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. મંદિર પ્રાંગણ ફરી એકવાર જય જગન્નાથ, જય રણછોડ-માખણચોરના ભકિતનારાઓથી ગુંજી ઉઠયું હતું. દરમિયાન રથયાત્રાના બીજા દિવસની વિશેષ આરતીમાં આજે હજારો શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા અને ભગવાનની આરતીમાં જોડાઇ તેઓને ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજે સવારે ૧૧-૦૦ વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની વિશેષ આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના કેટલાક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. સૌકોઇએ ભગવાન જગન્નાથજીના રથયાત્રાના બાદના પ્રથમ દર્શન અને આરતીના પ્રસંગમાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી અને જય જગન્નાથના નારા લગાવ્યા હતા, ત્યારે ભકિતનો માહોલ છવાયો હતો.