હરેન પંડ્યા મર્ડર કેસ : ૧૨  આરોપી દોષિત જાહેર થયા

539

સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના મામલામાં નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે આજે ૧૨ લોકોને  દોષિત ઠેરવ્યા હતા. ૨૬મી માર્ચ ૨૦૦૩ના દિવસે અમદાવાદમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સીબીઆઈ મુજબ ૨૦૦૨ના ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના ૨૦૧૧ના આદેશને બાજુમાં મુકીને સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે હત્યાના ૧૨ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૧માં ૧૨ આરોપીઓની દોષમુક્ત જાહેર કર્યા હતા.

જેને પગલે ગુજરાત સરકાર અને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ દોષિતોમાં અસગર અલી, મહમ્મદ રઉફ, મહમ્મદ પરવેઝ અબ્દુલ ક્યૂમ શેખ, પરવેઝ ખાન પઠાણ ઉર્ફે અથર પરવેઝ, મહમ્મદ ફારૂક ઉર્ફે હાજી ફારૂક, શાહનવાઝ ગાંધી, કલીમ અહમદ ઉર્ફે કલીમુલ્લા, રેહાન પુઠાવાલા, મહમ્મદ રિયાઝ સરેસવાલા, અનિલ માચિસવાલા, મહમ્મદ યુનુસ સરેસવાલા અને મહમ્મદ સઈફુદ્દીનનો સમાવેશ થાય છે. ૨૬ માર્ચ, ૨૦૦૩ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્‌યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, ૨૦૦૩માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૫ જૂન, ૨૦૦૭ના રોજ હરેન પંડ્‌યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

Previous articleભગવાનનો હવે નિજમંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ અને સ્થાપન
Next articleસુરત : રેલી વેળા ઘર્ષણ થતાં પોલીસ પર કરાયેલો હુમલો