મને એવી શાળા શોધી આપો જે નીતિમત્તાના પાઠ શીખવાડે, જે માણસાઇનાં, પ્રમાણિકતાના, અન્યાય સામે લડવાના અને પરોપકારના પાઠ શીખવાડે. ભણતરની હરીફાઇમાં ગણતર ક્રમાંક ગળાઇ ગયું છે. ચળાઇ ગયું છે. ત્યારે ભારતના ઉજળા ભવિષ્ય માટે વિશ્વસનીયતાના પાઠ શીખવા સૌએ એક નૈતિકતાના યજ્ઞ આરંભી તેમાં આહુતી આપવી પડશે. તેવું પ્રેરક ઉદ્દબોધન વિધાનસભા વિપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ ભાવનગર નાગરિક સહકારી બેંકના શૈક્ષણિક ઇનામ અને વિશિષ્ટ પ્રતિભા સંન્માન સમારોહના અધ્યક્ષસ્થાનેથી કર્યું હતું.
પરેશભાઇએ દરિયાકાંઠે છબછબીયા કરવાથી હવે નહિ ચાલે પણ ઉંડા ઉતરીને તેનો તાગ મેળવવો પડશે. વિદ્યાર્થીઓ અને પ્રતિભાઓને યોગ્ય રીતે સન્માન કરતા આ સમારોહમાં મને અધ્યક્ષપદનો ભાર સોંપાયો અને આ બેંકની પ્રવૃત્તિમાંથી ભારે પ્રભાવિત થયો છું તેમ જણાવીને વધુમાં ચેરમેન જીતુભાઇ અને બોર્ડ ઓફ ડીરેક્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા. જાણીતા કટાર લેખક અને પીઢ પત્રકાર દેવેન્દ્રભાઇ પટેલે બે હૃદયસ્પર્શી પ્રસંગો ટાંક્યા હતા. અને દિકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની આંખ આપી દઇને જાતે બિહામણી – કદરૂપી થનાર માતાના સંતાન પ્રત્યે અપાર પ્રેમ – ત્યાગની વાત કરતા સૌની આંખ ભીંજાઇ હતી.
ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ નાગરિક બેંકમાં જઇએ ત્યારે પરિવારમાં જતા હોઇએ તેવી લાગણી થાય છે. તેમ જણાવ્યું હતું. તો કનુભાઇ કળસરીયાએ સચ્ચાઇથી ચાલવું અને રાજકારણમાં રહેવુ તે અઘરૂં છે. તે જીતુભાઇએ કરી દેખાડ્યું છે. તેમ જણાવીને પોતાને રાજકારણ આવડતું પણ નથી અને રાજકારણ કરી શક્તો નથી. અને છોડી પણ શક્તો નથી. તેવી માર્મિક ટકોર કરી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનાર સમગ્ર નાગરિક બેંક પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમારોહમાં અનંતભાઇ (બાબાભાઇ)શાહ, નામાંકિત ક્રિકેટરો, શેલ્ડન જેક્સન અને ચિરાગ જાની, યોગમાં આંતરરાષ્ટ્રીય નામના મેળવનાર હેતસ્વી સરવૈયા તથા શાસ્ત્રીય કંઠ્યગાનમાં ઝળકનાર શિલ્પાબેન અંધારીયાનું તેમની વિશિષ્ટ સિદ્ધિ માટે જ્યારે બાસ્કેટબોલમાં નિપૂણ તનસુખ છાંટબાર હેરીટેજ વાવ બનાવનાર અજયસિંહ ગોહિલ, કિવયત્રી મહેશ્વરીબહેન મહેતા, ફુટબોલ એથ્લેટીક્સમાં ઝળકનાર કરિશ્મા દલપુત્રા તથા ગાયક શ્યામલ મહેતાનું નોંધપાત્ર સિદ્ધિ માટે મહાનુભાવોનાં હાથે સન્માન કરાયેલ તેમજ બેંકના સભાસદોનાં તેજસ્વી સંતાનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રતુત્તરમાં અનંતભાઇ શાહે આ બેંકની લોનથી પોતાના સમગ્ર પરિવારનો એક જમાનામાં ઉધ્ધાર થયેલ તે વાત યાદ કરી મુશ્કેલીમાંથી આ બેંકે બહાર આવી પ્રગતિની હરણફાળ ભરી છે. તે પરત્વે હર્ષ વ્યક્ત કરી જીતુભાઇની ટીમને બીરદાવી હતી. પ્રારંભમાં બેંકનાં ચેરમેન જીતુભાઇ ઉપાધ્યાયે બેંકની પ્રગતિની રૂપરેખા આપી અતિથિઓ અને સિદ્ધિધારકોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. એમ.ડી.પ્રદિપભાઇ દેસાઇ, વાઇસ ચેરમેન મહેન્દ્રભાઇ બારૈયા, ડિરેક્ટર્સ ધીરૂભાઇ કરમટીયા, કમલેશભાઇ મહેતા, પ્રવિણભાઇ પોંદા, પૂર્ણેન્દુભાઇ પારેખ, રફીકભાઇ મેતર, માધવભાઇ માણીયા, ભદ્રેશભાઇ દવે, અલીયારખાન પઠાણ, દર્શનાબેન જોશી, નિરૂબેન પડાયા, જી.એમ.નરેન્દ્રભાઇ વેગડ, એ.જી.એમ. ઉત્કર્ષભાઇ ઓઝા તેમજ અધિકારીઓએ મહેમાનોનું પૂષ્પગુચ્છથી સ્વાગત તેમજ ભેટ અર્પણ કરેલ. આભારવિધી મહેન્દ્રભાઇ બારૈયાએ કરેલ. કાર્યક્રમમાં આમંત્રીતો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, વેપારીઓ, સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.