ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ વિકેટ પૂરી કરી લીધી છે. તેણે પોતાની ૫૭મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ભારત તરફથી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ વિકેટ પૂરી કરનાર તે બીજો બોલર છે. મોહમ્મદ શમીએ ૫૬ મેચોમાં ૧૦૦ વિકેટ પૂરી કરી હતી. શનિવારે આઈસીસી વિશ્વ કપ ૨૦૧૯ના મુકાબલામાં શ્રીલંકા વિરુદ્ધ પોતાની છેલ્લી લીગ મેચ રમી રહેલા ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટરે દિમુથ કરૂણારત્નેને વિકેટની પાછળ એમએસ ધોનીના હાથે કેચ કરાવીને વિકેટની સદી પૂરી કરી હતી. ભારતીય ટીમ લીડ્સમાં પોતાની અંતિમ લીગ મેચ રમી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનનું નામ છે.
જેણે ૪૪ મેચમાં ૧૦૦ વનડે આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાના ડાબા હાથનો ફાસ્ટર મિશેલ સ્ટાર્ક ૫૨ મેચની સાથે આ યાદીમાં બીજા સ્થાન પર છે અને પાકિસ્તાનનો દિગ્ગજ ઓફ સ્પિનર સકલેન મુશ્તાક ૫૩ મેચોની સાથે ત્રીજા નંબર પર છે. ભારત તરફથી ઝહીર ખાન આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે, જેણે પોતાની ૫૯મી મેચમાં ૧૦૦ વિકેટ પૂરી કરી હતી.