શહેર નજીક આવેલા ધોળેશ્વર માર્ગની બંને તરફ અસંખ્ય વસાહતી વિસ્તાર આવેલો છે. ત્યારે રહિશો માટે વીજનું વિતરણ કરતી કંપની દ્વારા જે થાંભલા નાંખવામાં આવ્યા છે. તેના વીજવાયર માર્ગની બંને તરફ આવેલાં વૃક્ષોને સ્પર્શીને પસાર થતાં હોવાથી સ્થાનિકો માટે પણ જોખમી બન્યા છે.
ધોળેશ્વર મહાદેવ તરફ જવાના માર્ગ ઉપર મોટી સંખ્યામાં વસાહતી વિસ્તાર આવેલો છે. જ્યાં આગળ અસંખ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં વીજ પુરવઠાનું વિતરણ યુજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે માર્ગની બંને તરફ વીજ કંપની દ્વારા થાંભલા લગાવવામાં આવ્યા છે. ત્યાં આગળ હેવી લાઇનના વાયર પણ પસાર થઇ રહ્યાં છે. માર્ગની પાસે આવેલાં વૃક્ષોને સ્પર્શીને જતાં વીજ વાયર સ્થાનિક રહીશો માટે પણ જોખમી બન્યા છે.
શિવાશીષ સોસાયટી પાસે પસાર થતાં વીજ વાયરો વૃક્ષોને અડતાં સ્થાનિક રહિશોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ માર્ગ ઉપર અસંખ્ય વાહનચાલકો પણ અવર જવર કરી રહ્યાં છે. ત્યારે વીજવાયરોમાંથી કરંટ લાગવાનો ભય પણ ચોમાસા દરમિયાન સતાવી રહ્યો છે. ત્યારે સત્વરે વીજ કંપની દ્વારા વાયરોને ઊંચા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.