આજે વધુ એકવાર અમદાવાદ મેટ્રોમાં ટેકનિકલ ક્ષતિ ઉભી થવાને કારણે બોપરના ૧ વાગ્યાથી મેટ્રો બંધ રહી હતી. જેને પગલે એપરલ પાર્ક સ્ટેશન પર ટ્રેક અને ટ્રેનનો ટેકનિકલ પ્રોબ્લેમ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમજ સમગ્ર દિવસ માટે મેટ્રો સેવા બંધ કરવામાં આવી હતી. મેટ્રોની ટેકનિકલ ખામી પાછળ બહારના કોઈ મટિરીયલને કારણે પાવર સપ્લાયને અસર પહોંચી હોય શકે છે. આ પહેલા પીએમ મોદીએ ૪ માર્ચે સાંજના પાંચ વાગ્યે અમદાવાદ મેટ્રો રેલનાં ફેઝ-૧નું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદથી લઈ અત્યાર સુધી એમ ચાર મહિનામાં ત્રણવાર મેટ્રો બંધ પડી ચૂકી છે.
આ દરમિયાન મોદીએ વસ્ત્રાલ ગામ સ્ટેશને મેટ્રોને લીલી ઝંડી બતાવીને ટ્રેનમાં સફર પણ કરી હતી. ત્યારબાદ ૬ માર્ચથી જાહેર જનતા માટે ૧૦ દિવસ ફ્રી મેટ્રો મુસાફરી શરૂ થઈ હતી. પરંતુ ૭ માર્ચે જ બપોરના ૨.૫૫ વાગ્યે એસી બંધ થઈ જતાં મેટ્રો રોકવી પડી હતી. આ દરમિયાન લોકોને ગુંગળામણ થવા લાગી હતી. ત્યાર બાદ ૧૩ માર્ચે ફરીવાર ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન રોકવાની ફરજ પડી હતી.