કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે જળશક્તિ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રમાંથી આવેલી ટીમ દ્વારા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર જિલ્લામાં આ ચોમાસા દરમ્યાન વરસાદી જળ ભૂગર્ભમાં કેવી રીતે ઉતારવામાં આવશે તે અંગે ખાસ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ સામેલ કરવામાં આવી છે અને ગાંધીનગર કોર્પોરેશન સહિત જિલ્લાની ચાર નગરપાલિકાને પણ આ અભિયાન અંતર્ગત જોડવામાં આવી છે.
આગામી સમયમાં પાણીની સમસ્યા વિકટ બનવાની છે ત્યારે ચોમાસામાં વરસાદી પાણી નદી અને દરીયામાં વહી ના જાય અને તેનો જે તે જિલ્લામાં જ ભૂગર્ભમાં સંગ્રહ કરી જળ સ્તર ઉચું લાવવા માટે પ્રયત્ન હાથ ધરાઈ રહયા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના ર૮૪ જેટલા જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે કે જયાં જળ સ્તર નીચા જઈ રહયા છે.
આ જિલ્લાઓમાં ખાસ જળ શક્તિ અભિયાન શરૂ કરવાનું નકકી કરાયું છે જેમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગત તા.૧ જુલાઈથી જિલ્લામાં આ જળ શક્તિ અભિયાનનો પ્રારંભ થઈ ચુકયો છે. આજે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને કેન્દ્રમાંથી આવેલી જળ શક્તિ ટીમના અધિકારીઓ પણ હાજર રહયા હતા. જેમાં કલેકટરે જણાવ્યું હતું કે પાણી આપણી પુંજી છે અને પાણીથી જ જીવન સુરક્ષિત છે માટે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરી ચોમાસામાં પાણીને બચાવવા માટે પગલાં ભરવા જોઈએ.
અધિકારીઓ દ્વારા ભૂગર્ભમાં પાણી ઉતારવા માટે રજૂ કરાયેલા એકશન પ્લાન સંદર્ભે તેમણે કહયું હતું કે સરફેઝ વોટર રીચાર્જ કરવાની સાથે તેનો પીડીયોરીકલ ચાર્જ રજુ કરવો કે જેથી ખેડૂતો પાણીનો ઉપયોગ કયાંથી અને કયા સમય સુધી કરી શકે જેના થકી ભૂગર્ભ જળનો ઓછો ઉપયોગ થાય.
તો બીજી બાજુ જળ શક્તિ અભિયાનના કેન્દ્રના અધિકારી અને જિલ્લાના પ્રભારી દર્શના દરબારે વોટર કન્ઝર્વેશન અને રેઈન વોટર હાર્વેસ્ટીંગ, રીનોવેશન ઓફ ટ્રેડીશનલ એન્ડ અધર વોટર બોડીઝ, રીયુઝ બોરવેલ રીચાર્જ સ્ટ્રકચર, વોટર શેડ ડેવલપમેન્ટ અને ઈન્સેન્ટીવ એફ્રાસ્ટેશન અંગે વિસ્તૃત ચર્ચા કરી જિલ્લાના જળ સંવર્ધન પ્લાનને વધારે સુદ્રઢ બનાવવા સુચન કર્યા હતા. આ બેઠકમાં જળ શક્તિ અભિયાન સંબંધિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ પણ પ્લાનને સુદ્રઢ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં સુજલામ સુફલામ, મનરેગા, વોટર શેડ, ગાંધીનગર કોર્પોરેશન, નાની સિંચાઈ અને કલોલ માણસા, દહેગામ, પેથાપુર નગરપાલિકા, પાણી પુરવઠા અને ગટર વ્યવસથા બોર્ડ દ્વારા પણ જળ શક્તિ અભિયાન અંતર્ગત થનારી કામગીરીનો એકશન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. ભૂગર્ભ વોટર રીચાર્જના નિયામક સૌરભ ગુપ્તાએ જળની ગુણવત્તા બગડે નહીં તેવી રીતે જળ રીચાર્જ કરવાની સિસ્ટમ અંગે સમજણ આપી હતી.