વર્ષ ૨૦૧૪-૧૫માં સાબરકાંઠા જિલ્લામાં બોગસ શિક્ષક ભરતી કૌભાંડ મામલે ચાર શાળાઓની માન્યતા રદ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોગસ શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે ઇડર પોલીસ સ્ટેશનમાં ૧, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ૧૮ અને ખેરોજ પોલીસ સ્ટેશનમાં ૧૯ શિક્ષકો અને સંચાલકો સામે પોલીસ ફરિયાદ થઇ હતી. આ કૌભાંડમાં તત્કાલીન જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી વિષ્ણુભાઈ ચૌધરી અને કચેરી અધિક્ષક જી.કે પાંડોરને સસ્પેન્ડ કરી દેવાયાં હતાં.
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૪-૧૫માં બોગસ શિક્ષક ભરતી કૌભાંડ આવ્યું હતું જેમાં શિક્ષકો અને સંચાલકો સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ હતી.
શિક્ષણ વિભાગે પણ આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી. ગત મહિને મળેલી શિક્ષણ બોર્ડની બેઠકમાં બોગસ શિક્ષકોની ભરતી કૌભાંડ કરી કરોડોનું કૌભાંડ આચરનારી મોડાસાના વડાવાસા ગઢાની વિનય મંદિર ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલ, સાબરકાંઠાના ગુંદેલની સી.એસ બ્રહ્મભટ્ટ હાઇસ્કૂલ, સાબરકાંઠાના પરોયાની બી.એસ વાઘેલા અને એન.એસ. વાઘેલા સ્કૂલ તેમજ સાબરકાંઠાના નાના સેમ્બલીયાની સૌરભ વિદ્યાલયની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિનય મંદિર સ્કૂલે એક આચાર્ય, ચાર શિક્ષક, એક સહાયક અને એક સાથી સહાયક એમ સાત લોકોની ભરતી કરી ૩૪.૫૭ લાખ પગાર ચૂકવ્યો હતો. ગુંદેલની સી.એસ બહ્મભટ્ટ સ્કૂલે સાત કર્મચારીઓની ભરતી કરી ૨૨.૧૧ લાખ પગાર ચૂકવ્યો છે. પરોયાની બી.એસ વાઘેલા અને એન.એચ વાઘેલા સ્કૂલે આઠ કર્મચારીઓની ભરતી કરી ૨૧.૨૫ લાખ પગાર ચૂકવ્યો છે જ્યારે નાના સેમ્બલીયાની સૌરભ સ્કૂલે ૧૬ શિક્ષક, એક આચાર્ય અમે એક કારકુન એમ ૧૮ લોકોની ભરતી કરી ૧.૫૩ કરોડનો પગાર ચૂકવ્યો હતો.