ગાંધીનગર શહેરમાં કુદકેને ભુસકે વધી રહેલા વાહન ચોરીનાં બનાવોની સાથે સાથે હવે વાહનોનાં ટાયરો ચોરાઇ જવાનાં બનાવો પણ વધવા લાગ્યા છે. ગત માસે બે કારનાં વ્હીલ ચોરાઇ જવાનાં બનાવો બાદ સેકટર ૫ તથા સિવિલ કેમ્પસમાં પાર્ક વાહનોનાં ટાયર ચોરાવાની ઘટના સામે આવી છે. બાઇકનાં ટાયર ચોરાવાનો બનાવ પણ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો. ત્યારવાહન ધારકોમાં ભયનો માહોલ છે.
જાન્યુઆરીથી ખુલ્લામાં પાર્ક વાહનોનાં ટાયરો ચોરાઇ જવાનાં બનાવો વધવા વાગ્યા છે. જાન્યુઆરીમાં ૨ કારનાં ટાયરો ચોરાઇ ગયા બાદ થોડા દિવસ પુર્વે સેકટર ૧૩માંથી એરફોર્સ કર્મીની બાઇકનું ટાયર ચોરાઇ ગયુ હતુ. ત્યારે સેકટર ૫એમાં રહેતા સોમાજી ઠાકોરની ઘરની બહાર પાર્ક ઇનોવા કારનાં ટાયરો ચોરાઇ જવાનો બનાવ શનિવારે સવારે સામે આવ્યો હતો. જયારે સિવિલનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સિવિલમાં પાર્ક ઇકો તથા અન્ય એક વાહનનાં બે ટાયરો પણ તે જ રાત્રે ચોરાઇ ગયા છે. સિવિલનાં ખાંચામાં પાર્ક આ વાહનોની આસપાસ સિક્યુરીટીએ હીલચાલ જોતા તે દિશામાં આગળ વધી કોણ છેની બુમ પાડતા ટાયરો ચોરો ભાગી ગયા હતા. છેલ્લા એક માસ દરમિયાન શહેરમાં ર્પાકિંગ કરેલા વાહનોમાંથી ટાયરોની ચોરી કરતી ગેંગ સક્રિય બનતા સેક્ટર ૫માંથી ઇનોવા કારના પાછળના બે ટાયરો ની ચોરી કરતા સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.