દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાવનગર મહાનગર ખાતે ઉપસ્થિત રહીને ભાજપના સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના જુદા જુદા ભાગોમાં વરિષ્ઠ નેતાઓ દ્વારા આ અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. વાઘાણીએ કહ્યુ હતુ કે ૧૧ સભ્યોથી શરૂ કરીને ૧૧ કરોડ સભ્યો સુધીની આ મજલ કાર્યકરોની અથાગ મહેનત અને ભાગીરથ પ્રયાસોનુ પરિણામ છે. વાઘાણીએ કહ્યુ હતુ કે આજનો દિવસ એ ભાજપના કાર્યકરો માટે મોટો દિવસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સદસ્યતા વૃધ્ધિ અભિયાન તેમજ સદસ્યતા વૃધ્ધિ અભિયાનના ગુજરાતી થીમ સોંગનું લોન્ચીંગ કર્યુ હતુ. ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવતાં રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કાશ્મીરમાં દો વિધાન, દો પ્રધાન અને દો નિશાનની વિરૂધ્ધમાં આંદોલન કરતાં પોતાના પ્રાણની આહુતિ આપનાર ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની આજે ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભાજપાના સંગઠન પર્વનો શુભારંભ થઇ રહ્યો છે, ત્યારે આપણા માટે એક ગૌરવપૂર્ણ વાત છે. રાષ્ટ્રપ્રથમની વિચારધારા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ડૉ. શ્યામાપ્રસાદજીનું બલિદાન ક્યારેય એળે નહીં જાય. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે તેના માટે ૩૭૦ની કલમ ભાજપા દુર કરીને રહેશે. રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ કરતાં ભાજપાનું સંગઠન ખૂબજ અલગ છે. કેટલાય શહેરોમાં કોંગ્રેસના કાર્યાલય અને સંગઠનનો જ અભાવ છે. કોંગ્રેસમાં તો કાર્યકરોને લગતા કાર્યક્રમનો જ અભાવ છે. કોંગ્રેસ એટલે માત્ર સત્તા માટે હવાતિયા મારતું ટોળું છે, જ્યારે ભાજપા માટે સત્તા એ સેવાનું માધ્યમ માત્ર છે. ભાજપા પંચનિષ્ઠામાં માનનારો પક્ષ છે. અંત્યોદયનો વિકાસ એ જ ભાજપાનું લક્ષ્ય છે. જે ૨૦૧૯-૨૦ના ઐતિહાસિક બજેટમાં ચરિતાર્થ થયું છે. ૨૦૧૯-૨૦નું બજેટ એ કોર્પોરેટ બજેટ નહીં પરંતુ ગરીબ, ગામડુ, મહિલા અને શોષિતોનું બજેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે આ ઐતિહાસિક બજેટ આપીને સાચા અર્થમાં સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે. રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાના પ્રત્યેક કાર્યકર માટે કોઇપણ ચૂંટણીએ એક પડાવ સમાન છે, જેમાં વિશ્રામ ક્યારેય હોતો નથી. ચૂંટણી પર્વ પછી તરત જ સંગઠન પર્વ અને સંગઠન પર્વ એટલે ગંગાનો પ્રવાહ. આ પ્રવાહમાં અનેક લોકો જોડાયા છે, જેમાં કાળમીંઢ પથ્થર પણ શાલીગ્રામ બની જાય તેવું સંગઠન ઉભું કરવા માટે આ સંગઠન પર્વ ખૂબજ અનિવાર્ય છે. ભાજપાનું આ સંગઠન પર્વ સૌના માટે સર્વવ્યાપી અને સર્વસ્પર્ષીય બની રહેશે.
દેશભરમાં ખુણે-ખુણે ભાજપાની વિચારધારા પહોંચાડવા માટે ભાજપાનો પ્રત્યેક કાર્યકર પ્રતિબધ્ધ છે. આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારા સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાચા અર્થમાં લોકો સુધી પહોંચાડવામાં આવશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાની કુશળ સંગઠન ક્ષમતાથી ભાજપાની વિચારધારા જનજન સુધી પહોંચાડી છે. તેવી આ વિચારધારાને સર્વસ્પર્ષીય અને સર્વવ્યાપી બનાવવા માટે ભાજપાનો પ્રત્યેક કાર્યકર આ સંગઠન પર્વમાં જોતારાઇ જશે તેવી હાકલ વિજય રૂપાણીએ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન એસ જયશંકરજીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી દેશના વિદેશ મંત્રાલયમાં ફરજો બજાવતાં મેં અનુભવ્યું છે કે આપણી સાથે આઝાદ થયેલા કેટલાક દેશો છેલ્લા ૨૦ થી ૩૦ વર્ષમાં ઘણી પ્રગતિ કરી રહ્યા છે ત્યારે તેનું કારણ દેશનું સફળ નેતૃત્વને આભારી છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષથી આપણા દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને દિર્ધદ્રષ્ટીને કારણે આજે સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધ્યું છે. જયશંકરએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તરત જ સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા વૃધ્ધિ અભિયાનમાં જોડાઇને હું ખુબજ ગૌરવની લાગણી અનુભવું છું. આપણા દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ ભાજપાની વિચારધારામાં જોવા મળે છે. ભાજપાની અંત્યોદય અને એકાત્મ માનવવાદની વિચારધારામાં જ દેશની સમૃધ્ધિ અને સર્વાંગી વિકાસનો મૂળમંત્ર સમાયેલો છે. સાંપ્રત સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ જેવા સબળ અને સક્ષ્મ નેતૃત્વને કારણે આવનારા સમયમાં ભારત દેશ એક મજબુત મહાસત્તા તરીકે ઉભરી આવશે. પ્રદેશ સંગઠન પર્વના સંયોજક અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટે સ્વાગત પ્રવચનમાં તમામ કાર્યકરો તેમજ સદસ્યતા અભિયાનમાં જોડાવવા ઇચ્છુક તમામ પ્રબુધ્ધ નાગરિકોનું આવકાર અને અભિવાદન કર્યુ હતુ. આ પ્રસંગે સદસ્યતા અભિયાનના કેન્દ્રીય સહસંયોજક અરૂણ ચતુર્વેદીએ ખાસ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાનની વિષદ છણાવટ કરી હતી.