નાણામંત્રી નિર્મલા સીતારામન આવતીકાલે સોમવારના દિવસે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની બજેટ બાદની બેઠકને સંબોધન કરશે. આ બેઠકમાં સીતારામન બજેટના ચાવીરુપ મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક રજૂઆત કરશે. ફિસ્કલ કન્સોલીડેશન રોડમેપને લઇને નાણામંત્રી રજૂઆત કરનાર છે. તેમના સંબોધનને લઇને આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડના અધિકારીઓમાં પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. સરકારે જીડીપીના ૩.૩ ટકા સુધી ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને ઘટાડી દીધો છે. વચગાળાના બજેટ અંદાજથી ૬૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો રેવેન્યુ આંકડો ઉભો કરવાની પણ બજેટમાં યોજના રજૂ કરાઈ છે. ફેબ્રુઆરી મહિનામાં સરકારે પોતાના વચગાળાના બજેટમાં વર્તમાન નાણાંકીય વર્ષ માટે જીડીપીના ૩.૪ ટકા ફિસ્કલ ડેફિસિટ માટેનો અંદાજ રજૂ કર્યો હતો. કેન્દ્ર સરકાર ફિસ્કલ ડેફિસિટને ઘટાડવાની રૂપરેખા ધરાવે છે. ૨૦૨૦-૨૧ સુધી જીડીપીના ત્રણ ટકા સુધી ખર્ચ અને મહેસુલ વચ્ચેના અંતરને ઘટાડવાની યોજના ધરાવે છે. નાણામંત્રી બજેટમાં કરવામાં આવેલી અન્ય જાહેરાતોના સંદર્ભમાં બોર્ડના અધિકારીઓને વાકેફ કરશે. અર્થતંત્રમાં તમામ સેક્ટરોને સ્પર્શ કરીને વિકાસને વેગ આપવા માટે બજેટમાં કરાયેલી જાહેરાતો અંગે વાત કરશે. અધિકારીઓના કહેવા મુજબ ૨૦૨૪-૨૫ સુધી ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. બજેટમાં મૂડીરોકાણને વધારવા માટે ઉડ્ડયન ક્ષેત્ર, વિમા ક્ષેત્ર અને મિડિયા સેક્ટરમાં વધુ નાણાંની વાત કરવામાં આવી છે. આવી જ રીતે અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા મૂડીરોકાણને વધારવાની પણ વાત કરવામાં આવી છે. રિઝર્વ બેંકે પહેલાથી જ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ ઉપર નિયંત્રણો લાગૂ કર્યા છે. આરબીઆઈ બોર્ડની બેઠક આર્થિકરીતે ઉપયોગી બનશે.