એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો વેચવાની હિલચાલ

523

કેન્દ્ર સરકારે દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઇન્ડિયાને વેચવા માટે નવેસરથી વિચારણા કરવાની શરૂઆત કરી દીધી છે. એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવાની યોજના સરકાર ધરાવે છે. નવા પ્લાન હેઠળ આ હિસ્સેદારી વેચવા અંગે ટૂંક સમયમાં જ નિર્ણય કરવામાં આવશે. આ સંદર્ભમાં અંતિમ નિર્ણય મંત્રીઓના એક પેનલ દ્વારા કરવામાં આવશે. મૂડીરોકાણ અને જાહેર સંપત્તિ સંચાલનના સચિવ અતાનુ ચક્રવર્તીએ કહ્યું છે કે, જો મૂડીરોકાણકાર કંપનીની સમગ્ર હિસ્સેદારી ખરીદવા માટે ઇચ્છુક છે તો બરોબર બાબત છે પરંતુ આ સંદર્ભમાં હાલમાં અમે કોઇ માહિતી આપવા માટે ઇચ્છુક નથી. સરકાર તરફથી હિસ્સેદારી વેચાણને લઇને કોઇ અડચણો નથી. એરલાઈન કંપનીને છેલ્લા વર્ષે વેચવા માટેની યોજના નિષ્ફળ સાબિત થઇ હતી. ત્યારબાદ સરકારે આને વેચવા માટે ફરી એકવાર તૈયારી દર્શાવી છે. સરકારે ગયા વર્ષે આના વેચાણને હોલ્ડ ઉપર રાખવાના કારણે તેલની કિંમતોમાં અસ્થિરતા રહી હતી. ઓઇલ કિંમતોની અસ્થિરતા માટેનું કારણ આપીને હિસ્સેદારી વેચવા માટેની પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. નીતિ આયોગે કંપનીની સમગ્ર હિસ્સેદારી વેચવા માટેની દરખાસ્ત રજૂ કરી હતી પરંતુ સરકારે એક વ્યૂહાત્મક રોકાણકારને ૭૪ ટકા હિસ્સેદારી વેચવાની ઓફર કરી હતી પરંતુ આ સમજૂતિ થઇ શકી ન હતી. સરકાર હવે કંપનીની ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવાની યોજના ધરાવે છે. કંપનીમાં કેટલી હિસ્સેદારી વેચવામાં આવશે તે અંગેનો નિર્ણય પેનલ દ્વારા લેવામાં આવનાર છે. સરકાર ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધી આને વેચી મારવાની યોજના ધરાવે છે. મોટાભાગનું પેપર વર્ક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. એર ઇન્ડિયામાં હિસ્સેદારી વેચવાની બાબતને દોહરાવીને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને એવિએશન સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની ઉપરની મર્યાદાની સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી જે હાલમાં ૪૯ ટકા છે. નાણામંત્રીના આ પગલાથી વિદેશી વિમાન કંપનીઓને ભારતીય ઉડ્ડયન કંપનીઓમાં વધુને વધુ હિસ્સેદારી ખરીદવા માટેની તક મળી જશે. એર ઇન્ડિયાને વેચવાના પ્લાન ઉપર ચર્ચા શરૂ થઇ છે તેવી બાબત સપાટી ઉપર આવ્યા બાદ કોર્પોરેટ જગતમાં પણ આની ચર્ચા જોવા મળી રહી છે. કંપનીમાં કેટલી હિસ્સેદારી વેચવામાં આવશે તે સંદર્ભમાં ટુંકમાં જ નિર્ણય લેવાશે. એર ઇન્ડિયાની સાથે સાથે હાલમાં અન્ય એરલાઈન પણ નાણાંકીય મુશ્કેલીનો સામનો કરી રહી છે.

Previous articleFPI દ્વારા જુલાઈમાં ૪૭૫ કરોડ પાછા ખેંચી લેવાયા છે
Next articleશેરબજારની દિશા નક્કી કરવામાં પ પરિબળોની મોટી ભૂમિકા રહેશે