આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં શેરબજારમાં જોરદાર પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. પાંચમી જુલાઈના દિવસે બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ બજેટના દિવસે શેરબજારમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. બજેટને લઇને શેરબજારમાં નિરાશા રહ્યા બાદ નવા કારોબારી સેશનમાં શેરબજાર સાથે જોડાયેલા લોકોની પ્રતિક્રિયાઓ કેવી રહે છે તેના ઉપર તમામની નજર રહેશે. કુલ પાંચ પરિબળોની અસર શેરબજારમાં રહેશે. આ સપ્તાહમાં શેરબજારની દિશા નક્કી કરવામાં જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, માઇક્રો ઇકોનોમિક ડેટા, વૈશ્વિક ઘટનાક્રમ, રૂપિયાની ચાલ, એફઆઈઆઈ પ્રવાહની આમા ભૂમિકા રહેશે. જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા હવે જારી કરવામાં આવનાર છે.
આઈટીની મહાકાય કંપની ટીસીએસ અને ઇન્ફોસીસ દ્વારા ક્રમશઃ ૯મી જુલાઈ અને ૧૨મી જુલાઈના દિવસે તેમના આંકડા જારી કરવામાં આવશે. જ્યારે ડેલ્ટા કોર્પ, ગોવા કાર્બન, ૩૧ ઇન્ફોટેક દ્વારા તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બીજી બાજુ માઇક્રો ઇકોનોમિક ડેટા પણ જાહેર કરવામાં આવનાર છે. મે મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી)ના આંકડા જારી કરવામાં આવશે જ્યારે જૂન મહિના માટેના સીપીઆઈ ફુગાવાના આંકડા ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવશે. મે મહિનામાં રિટેલ ફુગાવો મે મહિનામાં ૩.૦૫ ટકાની સાત મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હતો. ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હોવા છતાં આરબીઆઈ દ્વારા જે સપાટી નક્કી કરવામાં આવી છે તેના કરતા ફુગાવો હજુ પણ ઓછો રહ્યો છે. એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૨.૯૯ ટકાનો રહ્યો હતો તે પહેલા ૨.૯૨ ટકાનો આંકડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય મોરચા ઉપર ભાગીદારો અમેરિકાના કન્ઝ્યુમર ક્રેડિટના આંકડાની રાહ જોઈ રહ્યા છે. આ આંકડા નવમી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. અમેરિકા અને ઇરાન વચ્ચેની કટોકટીને લઇને પણ વૈશ્વિક ઘટનાક્રમની અસર જોવા મળી શકે છે. ડોલર સામે રૂપિયાની ચાલ પણ અસર કરશે. શુક્રવારના દિવસે ભારતીય રૂપિયો શરૂઆતમાં નરમાઈ રહ્યા બાદ અંતે ૮ પૈસા મજબૂત થઇને ૬૮.૪૨ની સપાટીએ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારો દ્વારા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ૩૭૦૦ કરોડ રૂપિયાની કિંમતના શેર વેચી દીધા છે. જૂન મહિનામાં ૨૫૯૫ કરોડ, મે મહિનામાં ૬૯૧૯ કરોડ, એપ્રિલ મહિનામાં ૨૧૧૯૩ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૩૩૯૮૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા બાદ વિદેશી રોકાણકારો દ્વારા જુલાઈના પ્રથમ સપ્તાહમાં નાણાં પાછા ખેંચી લેવામાં આવ્યા છે. એફઆઈઆઈ દ્વારા વધુ વેચવાલી કરવાની સ્થિતિમાં આગામી દિવસોમાં શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળશે.