ડીસાના રસાણા મોટા ફાટક પાસે ટ્રેનની અડફેટે કિશોરનું મોત નીપજતા ચકચાર મચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે ૧૦૮ રેલવે પોલીસ તથા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે કિશોરના મોતનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું.
ડીસા તાલુકાના રસાણા મોટા ફાટક પરથી રવિવારે બપોરે ગાંધીધામ પાલનપુર ટ્રેન પસાર થઈ રહી હતી.આ દરમ્યાન રસાણા ગામના ૧૬ વર્ષીય મહેશભાઈ અશોકજી ચૌહાણ (ઠાકોર) ટ્રેનની અડફેટે આવતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
બનાવની જાણ થતા ૧૦૮ ગઢના ઇએમટી વિકાસ લિબાચિયા તથા પાયલોટ રમેશ પટેલ સહિત રેલવે પોલીસ તથા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે કિશોર મહેશના મોતની જાણ થતા પરિવાર તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કલ્પાંત મચાવ્યો હતો. મૃતકના દેહને પી.એમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
રસાણા ખાતે રહેતો મહેશ ખેતી તથા દરજી કામ કરતો હતો. શનિવારે મહેશ તેના સિકરિયા ગામ ખાતે રહેતા મામાના ઘરે ગયો હતો. રવિવારે રસાણા ખાતે પરત ફર્યા બાદ ઘટના સર્જાઈ હતી.જોકે મહેશના મોત પાછળનું કારણ હજી અકબંધ છે.