અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા શહેરમાં શૈક્ષણિક સંકુલ, હોસ્પિટલ અને ક્લબોમાં આવેલી કેન્ટીનોમાં ફૂડ સેફિ્ટ એક્ટ-૨૦૦૬ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાયસન્સ-રજીસ્ટ્રેશન ન હોવાની સાથે આરોગ્યપ્રદ વાતાવરણ જણાઇ ન આવતા દિવાન બલ્લુભાઇ શાળા કાંકરિયા, ઉદગમ શાળા થલતેજ અને વસ્ત્રાલમાં આવેલી શાંતિ એશિયાટીક સ્કુલની કેન્ટીનોને બંધ કરાવી દેવામાં આવી હતી.
અમદાવાદમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન આઠ સ્કૂલ, ચાર ક્લબ અને એક હોસ્પિટલમાં તપાસ કરાતા ચાર સ્કૂલ, ત્રણ ક્લબોમાં લાયસન્સ ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી. તેમજ ૧૧ જેટલા ખાદ્ય પદાર્થોના નમુનાઓ લઇને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
શાહીબાગમાં બીએપીએસ હોસ્પિટલમાં કેન્ટીનમાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ફૂડ સેફિ્ટ એક્ટ મુજબના મેળવવાપાત્ર લાયસન્સ-રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ હોવાનું જણાઇ આવ્યું હતું. કેન્ટીનમાંથી શંકાસ્પદ જણાયેલા છોલે મસાલાના નમુના લેવાયા હતા. ખાનપુરમાં રાયફલ ક્લલની કેન્ટીન પાસે લાયસન્સ-રજીસ્ટ્રેસન ન હોવાથી તેને નોટિસ આપીને રિફાઇન્ડ કપાસીયા તેલના નમુના લેવાયા હતા.
આ ઉપરાંત કાંકરિયા તળાવ પાસે આવેલી સી ટ્રાન્સટેડિયા પ્રા.લી.ધી એરેના ક્લબ, બાવર્ચી રેસ્ટોનન્ટ ધી સ્પોર્ટસ ક્લબ ચીફ ગુજ.લી.સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરાને નોટિસ આપીને રેડ ગ્રેવી અને ટોમેટો ગ્રેવી ના નમુના લેવાયા હતો. એસ.જી.હાઇવે પર આવેલી વાય.એમ.સી. એ. ક્લબની કેન્ટીન પાસે જરૂરી લાયસન્સ-રજીસ્ટ્રેશન હતા ત્યાંથી રિફાઇન્ડ કપાસીયા તેલના નમુના લેવાયા હતા.
અમદાવાદમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન જુદાજુદા ઝોન વોર્ડમાં ૫૦ જેટલા ખાદ્ય પદાર્થોના ધંધાકીય એકમોની ચકાસણી કરાઇ હતી. ૭૧ જણાને નોટિસ અપાઇ હતી. ૨૦૦ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. તેમજ ૩૪ ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લેવાયા હતા.