હરિયાણાની ડાન્સર અને ગાયીકા સપના ચૌધરી આખરે સત્તાવાર રીતે ભાજપમા જોડાઈ છે. રવિવારે ભાજપના કાર્યક્રમમાં સપના ચૌધરીએ સદસ્યતા મેળવી હતી. આ પ્રસંગે શિવરાજ સિંહ ચૌહાણ, મનોજ તિવારી, અને હર્ષવર્ધન સિંહ જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આજે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સપના ચૌધરીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. લોકસભાની ૨૦૧૯ ચૂંટણી પહેલા સપના ચૌધરીને લઈને સસ્પેન્સ જોવા મળ્યું હતું. અગાઉ તે કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો વહેતી હતી. સપના ચૌધરીએ મીડિયા સમક્ષ આવી આ વાતનું ખંડન કર્યું હતું. આ પછી સપના ચૌધરી પ્રચાર દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી સાથે જોવા મળી હતી અને રોડ શોમાં પણ ભાગ લીધો હતો. સપના ચૌધરી હરિયાણાની પ્રસિદ્ઘ સિંગર અને ડાન્સર છે. તે બોલીવૂડની ફિલ્મોમાં પણ આઈટમ ગીતો કરી ચુકી છે. આ ઉપરાંત તેણે રિયાલિટી શો બિગ બોસમાં પણ કામ કર્યું છે.