ગુજરાત યુનિવર્સિટી તરફથી ગયા વર્ષે બંધ કરવામાં આવેલી કેરિફોરવર્ડ સિસ્ટમને આ વર્ષે જૂન ૨૦૧૯માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેરિફોરવર્ડ સિસ્ટમને બંધ કરવામાં આવ્યા બાદ આને લઇને વિરોધની શરૂઆત કરવામાં આવી હતી. કેરીફોરવર્ડ સિસ્ટમના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ફાયદો થાય છે. કોઇને કોઇ કારણસર એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આગામી સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે. આવી સ્થિતિમાં આ સિસ્ટમને બંધ કરવાથી તેમને નુકસાન થશે. એટલું જ નહીં આનાથી આટ્ર્સ, કોમર્સ, સાયન્સ સહિત તમામ વિષયોમાં ડ્રોપઆઉટ રેટમાં પણ ઘટાડો થયો છે. પ્રથમ વર્ષમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બીજા અથવા તો ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ નહીં આપવાની સ્થિતિમાં આવા વિદ્યાર્થીઓ અભ્યાસને અધવચ્ચે છોડી દે છે.
ડ્રોપઆઉટ રેટમાં પણ વધારો થયો છે. હવે ગુજરાત યુનિવર્સિટીમાં બંધ થયેલી કેરીફોરવર્ડ સિસ્ટમને ફરીવાર લાગૂ કરવામાં આવી છે. પરીક્ષા સુધાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલપતિ હિમાંશુ પંડ્યાએ પણ આ વાતની કબૂલાત કરી છે કે, ગયા વર્ષે ૨૦૧૮માં કેરીફોરવર્ડ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી હતી જેના લીધે ડ્રોપઆઉટ રેટમાં વધારો થયો છે. આ બાબતની નોંધ લઇને પરીક્ષા સુધાર સમિતિની બે દિવસ પહેલા યોજાયેલી બેઠકમાં જૂન ૨૦૧૯-૨૦થી શરૂ થયેલા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી રહી છે. જૂનાને ફાયદો અપાશે કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.