આગામી તા.૧ર માર્ચથી શરૂ થનાર એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. શાળાઓમાં કોચીંગ ક્લાસીસોમાં શિક્ષકો દ્વારા પરીક્ષાલક્ષી વિશેષ માર્ગદર્શન આપી રહ્યાં છે.
વિદ્યાર્થીઓના અભ્યાસકાળમાં એસએસસી-એચએસસી બોર્ડની પરીક્ષાઓ કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબીત થતી હોય છે. દર વર્ષે માર્ચ મહિનામાં બન્ને બોર્ડની કસોટી સમગ્ર રાજ્યમાં એક સાથે યોજાય છે. જે પરંપરા અનુસાર આ વર્ષે પણ આગામી તા.૧ર માર્ચ થી ર૮ માર્ચ સુધી પરીક્ષાઓ યોજાનાર છે. જે અન્વયે ભાવનગર શહેર તથા જિલ્લામાં વસતા અને ધો.૧૦-૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષાઓની તનતોડ તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. છાત્રો દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને પોતાની રોજીંદી દિનચર્યાઓમાં પણ ફેરફારો કર્યા છે.
શાળા-ટ્યુશનના સમયને બાદ કરતા બાકીની કલાકોમાં પરિક્ષાલક્ષી તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તો બીજી તરફ કેટલીક સ્કુલોના તથા કોચીંગ ક્લાસીસો દ્વારા સમયમાં વધારો કર્યા છે અને આ વધારાના સમયમાં વિશેષ માર્ગદર્શન શિક્ષણ જગતના તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહ્યું છે. આ સિવાય વાલીગણ દ્વારા પોતાના સંતાનોનું ભાવી ધ્યાને લઈ તેમના દૈનિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે અર્થે તકેદારીના તમામ પગલાઓ લઈ રહ્યાં છે. સ્વયંસેવી સ્વૈચ્છિક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બાળકો ટ્રેસમુક્ત રહી પરીક્ષાઓ આપે તે માટે ખાસ વિદ્યાર્થી કેમ્પ પણ યોજી રહ્યાં છે તેમજ પરીક્ષાની મંુજવણ દુર કરવા હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે. આજ કાલ આધુનિક શિક્ષણમાં ઈ-ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. મોબાઈલ, ઈન્ટરનેટ, લેપટોપ જેવા ગેઝેટના સુલભ-સરળ ઉપયોગ થકી અભ્યાસ પ્રક્રિયા સરળ બની રહી છે.