લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત “રોણા શહેરમાં રે…….” ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. આ ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં યુ-ટયુબ ચેનલ પર ધૂમ મચાવી છે. ૨૦ મહિના પહેલા આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું. હાલ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ગીતોના આલ્બમ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ગુજરાતની ગીતા રબારીના ગીતને દેશ-વિદેશમાં ખૂબ લોકચાહના સાથે એક માત્ર આ ગીતને ૨૫ કરોડથી પણ વધુ વ્યૂઝ મળેલા છે. આ ગીતા રબારીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
ગીતા રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જણાવ્યું કે હું જ્યારે તેમને પહેલીવાર મળી ત્યારે શાળામાં ભણતી હતી. મેં ગીત ગાયું અને તેમણે મને ૨૫૦ રૂપિયાથી નવાજી હતી અને મને સિંગિંગનો અભ્યાસ ચાલુ રાખવા જણાવ્યું હતું. અમે માલધારી લોકો છીએ અને જંગલમાં રહીએ છીએ. મારા પિતાને ’બેટી બચાવો, બેટી પઢાવો’નું પોસ્ટકાર્ડ મળ્યું હતું અને તેમણે મને શાળાએ મોકલી હતી.
ગીતા રબારીએ પોતાના પ્રખ્યાત ગીત ’રોણા શહેરમાં’ ગીત વડાપ્રધાન મોદીને પણ સંભળાવ્યું. ગીતાએ કહ્યું કે હું પોતે ગીત લખું છું અને મોદીજી માટે ૨૦૧૭માં મેં ગીત લખ્યું હતું. ગીતાએ ગીત ગાતા કહ્યું કે અમે રાજી મોદીજી તારા રાજમાં રે…સહું સહેમત તમારી વાતમાં રે, પછી વટ પડે છે આ વર્લ્ડ માં રે, વટ પડે છે ગુજરાતમાં રે…
અત્રે જણાવવાનું કે ગીતા રબારીના આ જબરદસ્ત લોકપ્રિય ગીત ’રોણા શહેરમાં…’ને જ્યારે ૨૦ કરોડથી પણ વધુ વ્યૂઝ મળ્યા ત્યારે “મેક્સિમમ ગુજરાતી ફલક સોંગ ઓન યુ-ટયુબ ” વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરતા ભુજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રતિનિધિ મિલન સોનીના વરદ હસ્તે ઇન્ડિયાના સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત “રોણા શહેરમાં રે…….” ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે.