હવાઈયાત્રીઓમાં વધારો થતા એસટી તંત્રને ફટકો… મુસાફરોની સંખ્યા ઘટી

531

ગુજરાત સરકારની નાગરિક પરિવહન સેવા એસટી બસના મુસાફરોમાં ચાર વર્ષમાં ૫૮,૦૦૦ અને ત્રણ વર્ષમાં ૧.૨૩ લાખનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ચારવર્ષમાં ૬૦.૧૦ લાખ અને ત્રણ વર્ષમાં ૪૯.૩૦ લાખ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

તો બીજી બાજુ, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં સરકારી અને લાભાર્થી કાર્યક્રમો માટે એસટી નિગમ પાસેથી લોકોને લાવવા લઈ જવા માટે ૬૬ કરોડ ૩૯ લાખથી વધુ રકમ ચૂકવવાની બાકી છે.

વર્ષ ૧૭-૧૮ ૪૪ કરોડને ૧૮ લાખથી વધુ રકમ અને વર્ષ ૧૮-૧૯માં ૨૨ કરોડને ૨૧ લાખથી વધુ રકમ બાકી છે.

દરવર્ષે બજેટમાં ગુજરાત સરકાર નવી બસો ખરીદવાની જાહેરાત કરે છે પણ હકીકતમાં છેલ્લા ચાર વર્ષમાં એસટી નિગમના રસ્તા ઉપર ફરતા વાહનોમાં માત્ર ૩૧૨નો જ વધારો થયો છે. જ્યારે ગુજરાતમાં ઉડ્ડયનક્ષેત્રે ફ્લાઇટ ટ્રિપની સંખ્યામાં ૪૧ હજારનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી રાજ્યની અંદર ભૂજ, ભાવનગર, વડોદરા, જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, પોરબંદર, મુંદ્રા, કેશોદ, કંડલાથી આંતરિક હવાઈ મુસાફરીનું પ્રમાણ વધ્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬માં આ એરપોર્ટ પરથી ૩૩.૭૭ લાખ પ્રવાસી નોંધાયા હતા.

જે વધીને ૧૮-૧૯માં ૬૧.૩૯ લાખે પહોંચ્યા છે. જો કે, ભાવનગર અને જામનગરથી આંતરિક હવાઈ સેવાના મુસાફરો ઘટયા છે. વર્ષ ૧૫- ૧૬માં ૨૧,૧૧૮ મુસાફરો ધરાવતા ભાવનગર એરપોર્ટને ૧૭-૧૮માં માત્ર ૧૭,૭૮૯ પ્રવાસીઓ મળ્યા હતા. આ જ રીતે જામનગર એરપોર્ટમાં પણ ૭ હજાર મુસાફરોનો ઘટાડો થયો છે.

Previous articleલેડી ડોન ભૂરીની દીવમાં દાદાગીરી… પુરૂષ મિત્ર સાથે બાખડી, હથિયાર સાથે ધરપકડ
Next articleબનાસકાંઠાના વાવ અને સુઈગામના ગામોમાં તીડનું આક્રમણ :સ્થિતિ નિયત્રણમાં હોવાનો કલેકટરનો દાવો