કલોલ શહેરમાં નવા બનાવાયેલા રોડ પર કાંકરીઓ ઉખડી રહી છે

578

કલોલ શહેરમાં તાજેતરમાં જ નવા બનાવાયેલા રોડ તૂટી જતા તંત્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યો છે. મોટાભાગના રોડ તૂટી ગયા છે. જેથી હવે રોડ ને રી – સરફેસ કરવાની ફરજ પડી રહી છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી રોડ પરથી કાંકરી ઉખડી રહી છે.

કલોલ શહેરમાં તાજેતરમાં જ બનાવાયેલા રોડ તૂટી જતા આશ્ચર્ય સર્જાય છે. આર.સી.સી. રોડનું બાંધકામ મજબૂત હોય છે પરંતુ કલોલમાં બનાવાયેલા તમામ રોડમાં યોગ્ય મટીરીયલ નહી વપરાયું હોવાથી રોડ તૂટી ગયા છે. પૂર્વ વિસ્તારમાં અંડર બ્રીજથી રેલ્વે પૂર્વમાં અંકુર સોસાયટી સુધી રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ ટુંક જ સમયમાં રોડ પરથી કાંકરીઓ ઉખડવા લાગતા આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરાઇ હતી.

જેથી તંત્ર દ્વારા રોડને રી સરફેસ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જો કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ જ ઘાટ ઘડાયો છે. વિષ્ણુ સિનેમા પાસે આવેલા કબીર મંદિરના રોડ ઉપર પણ તાજેતરમાં જ બનાવાયેલો રોડ તૂટી ગયો છે. તેમજ નવજીવન શોપિંગ સેન્ટરમાં પણ નવો જ રોડ બનાવાયો હતો પરંતુ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી રોડ જ તૂટી ગયો છે. ત્યારે હવે તંત્ર દ્વારા અહીં પણ રોડને રી સરફેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રોડ બનાવતી વખતે કોઇપણ પ્રકારની તકેદારી નહી રાખવામાં આવતી હોવાથી થોડા જ સમયમાં રોડ તૂટી જાય છે. જેમાં તંત્રનું લાખો રૂપિયાનું આંધણ થાય છએ. જેથી રોડ પાછળ ખર્ચ કરેલા પૈસાની કોઇ કિંમત જ ના હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપો થઇ રહ્યાં છે. જેથી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે. કારણ કે તાજેતરમાં જ નવા બનાવાયેલા રોડ તૂટી જતા હોવાથી એક સાઇડનો રોડ સરફેસ કરતી વખતે રોડ બંધ કરવામાં આવે છે. જેથી ટ્રાફિક જામ પણ થઇ જાય છે.

Previous articleપાલનપુરના સોનગઢ પાસે શ્રમિક પરિવાર પર ટ્રક ફરી વળતા બાળકીનું કરૂણમોત :ચાર લોકો ઘાયલ
Next articleશૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ પાસે પણ મોટા ડસ્ટબીન મુકવામાં આવશે