ગાંધીનગર શહેરમાં વાહનચોરીના બનાવો વધી રહયા છે ત્યારે હવે અસામાજી તત્ત્વો નિર્દોષોને રંઝાડી રહયા છે. શહેરના સે-૪માં નિવૃત અધિકારીના ઘર બહાર પાર્ક થયેલી બે કારના કાચ તોડી બાઈક ઉપર આવેલા અસામાજીક તત્ત્વો ફરાર થઈ ગયા હતા. જેના કારણે આ વિસ્તારના વસાહતીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.
રાજયના પાટનગર ગાંધીનગર શહેરની આમ તો શાંત અને સાંસ્કૃતિક શહેર તરીકેની ઓળખ રહી છે પરંતુ ધીરેધીરે શહેરમાં અસામાજીક તત્ત્વોનો આતંક વધી રહયો છે. શહેરમાં વાહનચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે હવે ઘર આંગણે પાર્ક કરેલા વાહનોના કાચ પણ તોડવામાં આવી રહયા છે. શહેરના સે-૪ સી રીંગરોડ ઉપર પ્લોટ નં.૬૫૦/ર માં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાંથી નિવૃત થયેલા હેમંત સુથારના ઘર બહાર તેમની બે કાર પાર્ક કરેલી હતી.
ગઈ રાત્રીએ બે વાગ્યાના અરસામાં બાઈક ચાલકો ત્યાં પહોંચ્યા હતા અને તેમના ઘર આંગણે પાર્ક થયેલી બે કારના કાચ તોડયા હતા. અવાજ થતાં હેમંતભાઈ ઘરની બહાર આવ્યા હતા પરંતુ આ તત્વો ત્યાંથી નાસી છુટયા હતા. આ ઘટના અંગે સવારે આસપાસના વસાહતીઓને પણ જાણ થતાં રોષની સાથે ફફડાટ ફેલાયો હતો અને આ વિસ્તારમાં સખત પેટ્રોલીંગ કરી આવા અસામાજીક તત્ત્વોને પકડી પાડવા માટે પણ માંગણી ઉઠવા પામી છે.