ઈસરોએ ચંદ્રયાન-૨ના લોન્ચિંગ માટે ૧૫ જુલાઈની તારીખ નક્કી કરી છે. લોન્ચિગના એક સપ્તાહ પહેલાં જ ઈસરોએ તેમની વેબસાઈટ પર ચંદ્રયાનની તસવીર રિલીઝ કરી છે. અંદાજે રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે આ મિશનને જીએસએલવી એમકે-૩ રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ૩૮૦૦ કિલો વજનના સ્પેસક્રાફ્ટમાં ૩ મોડ્યૂલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) હશે. ઈસરોએ તેની તસવીર પર રિલીઝ કરી છે.
ચંદ્રયાન-૨ મિશન ૧૫ જુલાઈએ રાતે ૨.૫૧ વાગે આંધ્રપ્રદેશના શ્રીહરીકોટાથી લોન્ચ કરવામાં આવશે. એટલે કે ૬-૭ સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે લેન્ડ કરવામાં આવશે. તેની સાથે જ ભારત ચંદ્રની સપાટી પર લેન્ડ થનાર ચોથો દેશ બની જશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન તેમના સ્પેસ શટલને ચંદ્રની સપાટી પર મોકલી ચૂક્યા છે. અત્યાર સુધી કોઈ પણ દેશે ચંદ્રના દક્ષિણ ભાગમાં તેમનું સ્પેશ શટલ ઉતાર્યું નથી.સમગ્ર ચંદ્રયાન-૨ મિશનમાં ૬૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જીએસએલવીની કિંમત રૂ. ૩૭૫ કરોડ છે. જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ એમકે-૩ અંદાજે ૬,૦૦૦ ક્વિન્ટલના વજનનું રોકેટ છે.
તે સંપૂર્ણ રીતે લોડેડ અંદાજે ૫ બોઈંગ જંબો જેટ બરાબર છે. તે અંતરિક્ષમાં ખૂબ વધારે વજન લઈ જવા સક્ષમ છે. તેથી તેને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે.
ઈસરોના જણાવ્યા પ્રમાણે ઓર્બિટર તેના પેલોડ સાથે ચંદ્રના ચક્કર લગાવશે, લેન્ડર ચંદ્ર પર ઉતરશે અને તે રોવરને સ્થાપિત કરશે. ઓર્બિટર અને લેન્ડર મોડ્યૂલ જોડાયેલા રહેશે, રોવર, લેન્ડરની અંદર હશે. રોવર એક ચાલી શકે તેવું ઉપકરણ છે જે ચંદ્રની સપાટી પર પ્રયોગ કરશે. લેન્ડર અને ઓર્બિટરનો પણ પ્રયોગોમાં ઉપયોગ થશે.