વધુને વધુ વૃક્ષો વાવીને પાટનગરને ’ગ્રીન ગાંધીનગર-કલીન ગાંધીનગર’ બનાવવાનાં સંકલ્પ સાથે ગુજરાત માહિતી આયોગનાં અધિકારીશ્રીઓ દ્વારા આજે વૃક્ષારોપણનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગ્લોબલ ર્વૉમિંગ અને પ્રદુષણ જેવા પડકારો સામે પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીનબેલ્ટમાં વધારો એ જ એક ઉપાય છે ત્યારે ગુજરાતમાં વન વિસ્તાર વધે અને જંગલો જળવાય એ માટે રાજ્ય સરકાર વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. પવિત્ર શ્રાવણ માસ આવનાર છે ત્યારે પર્યાવરણ સંરક્ષણના પ્રયત્નોથી આપણે જીવ અને શિવ વચ્ચે એકાત્મતા સાધવાના પ્રયત્નો કરી પર્યાવરણને ધર્મ સાથે જોડીને આપણે તેના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ થઈએ તે અનિવાર્ય બન્યુ છે. આપણે વ્યાપક રીતે વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષો ઉછેરીએ એ જ સમયની માંગ છે. ગુજરાત માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર દિલીપ ઠાકર, માહિતી કમિશનર આર.આર.વરસાણી, કે.એમ.અધ્વર્યું, આર.જે.કારીયા, વિરેન્દ્રભાઈ પંડ્યા સહિત આયોગના કમિશનરના સહયોગ અને પ્રોત્સાહનથી ગાંધીનગર શહેરનાં સેકટર ૧૦ ખાતે આવેલા કર્મયોગી ભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષને ભગવાનનો દરજ્જો આપીને દિવો પ્રગટાવી વૃક્ષનું પુજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૧૧૧ છોડ વાવીને આ તમામ છોડ ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી કાળજી અને માવજત કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું તે બાબત એ છે કે વૃક્ષારોપણ માટે પસંદ કરવામાં આવેલા છોડમાં મોટા ભાગે એવા છોડ પસંદ કરવામાં આવ્યા છે કે ભવિષ્યમાં વૃક્ષ ઘટાદાર બને, પૂરતો છાયડો તથા ઓક્સિજન આપે તે ઉપરાંત પક્ષીઓને આ વૃક્ષ થકી જ અન્ન મળી રહે. ઉમરો, કણજી, લીમડો, વડ, પીપળ, આસોપાલવ, જાંબુ, સેતુર, મિલેટીયા અને બોરસલી જેવા છોડને કોમન કેમ્પસમાં રોપવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા આ પ્રસંગે કોર્પોરેટ હાઉસ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ વધુને વધુ વૃક્ષો વાવે અને ઉછેરે તેવુ આહવાન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ શ્રી અસીત વોરા સહિત ગુજરાત માહિતી આયોગનાં અધિકારી-કર્મચારીઓએે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.