ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અંગે ૧૯ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી કરવામાં આવશે. આ ચૂંટણી માટે ૧૭ ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી કરી શકાશે. ઉમેદવારી માટે ૧૭ ફેબ્રુઆરીએ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં વિધાનસભા અધ્યક્ષની ઉમેદવારી અંગે વિધાનસભા સચિવાલયને વિધિવત જાણ કરવી પડશે.
હાલ પ્રોટેમ સ્પીકરની જવાબદારી ડૉ.નિમાબેન આચાર્ય સંભાળી રહ્યા છે. જ્યારે વિધાનસભાના નવા અધ્યક્ષ માટે વડોદરાના રાવપુરા બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું નામ નક્કી માનવામાં આવે છે.ગત સરકારમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રાજ્ય કક્ષાના મંત્રી હોવાછતાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના નેતૃત્વમાં રચાયેલી નવી સરકાર અસ્તિત્વમાં આવી ત્યારે નવા મંત્રીમંડળમાં વડોદરાને પ્રતિ નિધિત્વ આપવામાંના આવતા બીજેપીમાં આંતરિક અસંતોષ હોવાની ચર્ચાઓ ચાલી હતી.
સામાન્ય રીતે વિધાન સભાના અધ્યક્ષ પદે શાસક પક્ષના સિનિયર અને સર્વ માન્ય હોય એવા ધારાસભ્યને મુકવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ગત ટર્મમાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલા વોરા ચૂંટણી હારી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જીલ્લામાંથી મંત્રી તરીકે કોઈ લેવાયેલા નથી. તેનું મુખ્ય કારણ વડોદરામાંથી ચુંટાયેલા ધારાસભ્યો સિનિયર હોવાથી તેમણે પણ મંત્રી માટે પોતપોતાના દાવા પક્ષમાં રજુ કરેલા છે. જેથી પક્ષ માટે નિર્ણય લેવો અઘરો છે.