‘દિવ્ય છે દૃષ્ટિનો દરબાર’

673

‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકનું પહેલું પ્રકરણ જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે ‘દૃષ્ટિવિહોણાં દર્શન’ શીર્ષક સ્ફૂર્યું. આમ તો, દૃષ્ટિ એક એવી શક્તિ છે કે જેના વિના સૃષ્ટિની અનુભૂતિ શક્ય નથી. તો પ્રકરણનાં ટાઈટલ મુજબ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે- ‘દૃષ્ટિવિહોણાં દર્શન’ દૃષ્ટિની ગેરહાજરીમાં કોઈ પણ દર્શન અશક્ય અને અસંભવ છે. તેમ છતાં દૃષ્ટિવિહોણા દર્શન શીર્ષક પસંદ કરવામાં મને જરા પણ હિચકિચાટ થયો નહિ. કારણ કે, દૃષ્ટિ વિષે મારું નિરીક્ષણ જુદું છે. તેના વિષે વિગતે ચર્ચા કરવા આપ સમક્ષ ‘દિવ્ય છે દૃષ્ટિનો દરબાર’ શીર્ષક નીચે નમ્ર પ્રયત્ન કરીશ.

દૃષ્ટિ એટલે શું? દાર્શનિક જગતને સમજવાના કાર્યમાં ઉપયોગમાં આવતી શક્તિનો સ્રોત. આ શક્તિ આપણને આંખ, કાન, નાક, સ્વાદ અને સ્પર્શ જેવી ઇન્દ્રિયો આપે છે, પરંતુ આંખ તેમાં મોખરે રહી દૃષ્ટિ આપવાનું કામ કરે છે. તેની અનુભૂતિ આપણા મસ્તિષ્ક સુધી પહોંચાડી જગતની ગતિવિધિઓથી અવગત કરે છે. આવી જ કેટલીક અનુભૂતિ આપણને શ્રવણશક્તિ વડે પણ થતી હોય છે. એટલે કે  શ્રાવ્ય શક્તિ પણ એક દૃષ્ટિ આપવાનું કામ કરનારી વિશિષ્ટ શક્તિ છે. તેના વડે આપણે જુદા-જુદા અવાજોનું વર્ગીકરણ કરી એક-મેક વચ્ચે ભેદ પારખી શકીએ છીએ. તે રીતે જગતને જાણવા અને માણવા આપણી શ્રાવ્ય ઇન્દ્રી દૃષ્ટાનું કામ કરે છે અને એટલે જ મેં મારા પુસ્તકમાં આંખની દૃષ્ટિ સિવાય અન્ય ઇન્દ્રિયોની શક્તિ વડે જગતને સમજવાનો અને જાણવાનો જે પ્રયાસ કર્યો તે અનુભવને ‘દૃષ્ટિવિહોણાં દર્શન’ તરીકે રજૂ કરી આંખની દૃષ્ટિ વિના પણ જગતને શી રીતે જોવાનો પ્રયાસ થઇ શકે? તેને પુસ્તકના પ્રકરણમાં મૂકી આંખોની દૃષ્ટિ ગુમાવનાર વ્યક્તિઓને પ્રેરિત કરવા અજ્ઞાનના અંધકાર સામે પુસ્તકરૂપી દીપ પ્રગટાવી પ્રકાશ પાથરવા પ્રયત્ન કર્યો છે. જે રીતે રાત્રીનાં ઘોર અંધકારમાં પ્રગટાવેલો દીવો અંધકારને હટાવવા પોતાનો નમ્ર પ્રયાસ કરે છે. એવી જ રીતે દૃષ્ટિનાં અન્ય માધ્યમો વિષે થોડી વાત કરીએ તો ઘ્રાણેન્દ્રિય પણ આપણને જગતની ઘણી બધી અનુભૂતિ કરાવી જગતની વિશિષ્ટતાઓ સમજવાનો મોકો આપે છે. જેમ કે- ગુલાબ અને મોગરાની સુવાસ એકબીજાથી તદ્દન અલગ છે છતાં પણ બન્ને મહેક અને રંજકતા વડે વ્યક્તિને અભિભૂત કરી આનંદના જગતમાં ડોકિયું કરાવે છે. એવી જ રીતે સ્પર્શની અનુભૂતિ પણ આપણને રોમાંચક બનાવે છે. સ્વાદ દ્વારા પણ આપણે જ્ઞાનપ્રાપ્તિ કરતા હોઈએ છીએ. આ બધી જ શક્તિઓ દૃષ્ટિનું જ સ્વરૂપ છે. પરંતુ આ દૃષ્ટિ ખરેખર બાહ્ય દૃષ્ટિ છે. તે દેખિતા જગતને સમજવા પૂરતી મર્યાદિત શક્તિ ધરાવે છે. પરંતુ વાસ્તવિક જગત અને ભીતરની ભૂગોળને સમજવા આંતરિક દૃષ્ટિ ખુલવી અને ખિલવી જોઈએ, તો જ આપણે વાસ્તવિક જગતને સમજી શકતા હોઈએ છીએ. ‘દૃષ્ટિવિહોણાં દર્શન’ પ્રકરણ માત્ર બાહ્ય દૃષ્ટિ આધારિત નથી. પ્રકરણમાં આંતરિક દૃષ્ટિનું અવલોકન જીવનની સમસ્યાઓમાંથી ઉકેલ લાવવા મહત્ત્વનું બન્યું છે એટલે જ કદાચ દૃષ્ટિવિહોણાં દર્શન દ્વારા ‘જીવનનો ધબકાર મારી સ્મરણ યાત્રા’ નો પાયો રચાયો. એટલે કે પુસ્તકનું ભલે કદાચ આ પ્રથમ પ્રકરણ હોય પરંતુ હકીકતમાં તો તે આખા પુસ્તકનું કેન્દ્રબિંદુ છે. કારણ કે આંતરિક દૃષ્ટિ માત્ર જગતને સમજવા પૂરતું મર્યાદિત કામ કરતી નથી અથવા તેની શક્તિ તે સમજવા પૂરતી સીમિત નથી.  કારણ કે  આંતરિક દૃષ્ટિની શક્તિ વિશાળ અને વિસ્તૃત છે. આમ તો, આંતરિક દૃષ્ટિના પણ બે પ્રકાર છે ૧. પ્રેરિત દૃષ્ટિ અને ૨. સ્વયં પ્રેરિત દૃષ્ટિ.

૧. પ્રેરિત દૃષ્ટિ : અન્યના જીવન-કવનમાંથી આપણને જે શીખવા કે જાણવા મળે તે પ્રેરિત દૃષ્ટિ છે. આવી પ્રેરણા વડે વ્યક્તિ પોતાના ભાવિ જીવનનું આયોજન તૈયાર કરી શકે છે. મહાત્મા ગાંધીએ હરિશ્ચંદ્ર-તારામતીનું નાટક જોયું, જેમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ વચનપાલન અને સત્યનું આચરણ કરવા અનેક મુસીબતો વચ્ચે પણ મક્કમ મને રાજપાઠ વગેરે ગુમાવીને પણ સત્યનું આચરણ કર્યું તે શીખ વડે ગાંધીજીએ પોતાના જીવનની નીવ રચી. પરિણામે જગતને મહાત્મા ગાંધી જેવી વિરલ વ્યક્તિ પ્રાપ્ત થઈ. આ પણ આંતરિક દૃષ્ટિ દ્વારા નિહાળેલી પ્રેરણા જ હતી. આપણી આસપાસ અનેક વ્યક્તિઓનાં જીવનમાંથી શીખ મળે તેવા અનેક મહાનુભાવો આવો જ સંઘર્ષ કરતા જોવા મળે છે. પરંતુ ક્ષીણ અને કુંઠિત બની ગયેલી આપણી આંતરિક દૃષ્ટિ તે જોઈ શક્તિ નથી. પરિણામે આપણે ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાથી વંચિત રહીએ છીએ.

ઈતિહાસમાં આપણે ડોકિયું કરીએ તો હિરણ્યકશિપૂના પુત્ર પ્રહ્લાદનો સંઘર્ષ વાંચવા મળે છે. પિતા સામે તે નમતું જોખતો નથી. હિરણ્યકશિપૂ ભગવાનનું નામ છોડાવવા તેની અનેક કસોટી કરે છે. તે તેને ડુંગર પરથી ફેંકે છે, અગ્નિમાં બાળવા નિષ્ફળ પ્રયત્ન કરે છે, લોખંડનો સ્તંભ અગ્નિમાં તપાવી તેને ભેટવા હૂકમ કરે છે. આ બધી જ કસોટીઓમાં પ્રહ્લાદ સુપેરે પોતાની આંતરિક શક્તિ વડે સાંગોપાંગ ઉતરે છે. તેની આ દૃષ્ટિશક્તિના કારણે તપાવેલો સ્તંભ ફાટી તેમાંથી ખુદ ઈશ્વર પ્રગટે છે. આમ, આંતરિક દૃષ્ટિ વડે અન્ય વ્યક્તિની વિપરિત સંજોગોમાં રક્ષણ મળે છે. સામાન્ય રીતે આંતરિક દૃષ્ટિ વ્યક્તિની પ્રેરણાથી જ ખુલતી હોય છે પરંતુ, અપવાદરૂપ કેટલાક સાધકો પોતાની આંતરિક શક્તિ આપમેળે ખીલવી શકે છે. જેની આંતરિક દૃષ્ટિ ખુલે છે તે અન્યને પણ તારી શકે છે. આ વાતને સમજવા મને એક ઉદાહરણ યાદ આવે છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામમાં સાવ અભણ એક સ્ત્રી પોતાની શિષ્યા પાનબાઈને ઉદ્દેશીને જે પદો લખે તેમાં એવી તો માર્મિક વાતો મૂકે છે જેને આજનો પી. એચ. ડી. થયેલો તજજ્ઞ વ્યક્તિ પણ સમજવામાં ફાંફાં મારે. તેના કેટલાક પદો વિષે વિગતે ચર્ચા કરવાનું મને ઉચિત લાગે છે . કારણ કે સ્વયંપ્રેરિત દૃષ્ટિનું  ગંગાસતીનું આ અનોખું ઉદાહરણ છે. તે પોતાના  પદમાં કહે છે- ‘વીજળીના ચમકારે મોતી રે પરોવવા પાનબાઈ અચાનક અંધારા થાશે.’

અર્થાત્‌ જીવનની પસાર થતી ક્ષણને સમજીને તમે જીવનના રહસ્યો જાણી લેજો. તમારા જીવનકાળ દરમિયાન ઉત્તમ કાર્યરૂપી મોતીડાં પરોવી લેજો. અન્યથા ક્ષણભંગુર જીવનનો અચાનક અંત આવશે. તે વેળા આવે તે પહેલાં જ તમે તમારા જીવનના મર્મો જાણી લેજો. મોક્ષમાર્ગની યાત્રા માટે ભાથું બાંધી લેજો. તો ગંગાસતી પોતાના અન્ય એક પદમાં કહે છેઃ ‘શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન.’

અર્થાત્‌ ચરિત્રવાન વ્યક્તિને આપણે હંમેશા નમસ્કાર કરવા જોઈએ. પરંતુ આ વ્યક્તિ પોતાનો સ્વભાવ વારંવાર બદલતા ન હોવા જોઈએ. એટલે કે ‘અભિ બોલા, અભિ ફોક’ લોકોથી દૂર રહી સાચા શીલવાન અને વચનપાલક લોકોના સત્સંગમાં રહી, આપણી જીવન નાવને આગળ ધપાવતા રહેવું જોઈએ. આ વાતને સમજવા એક ઉદાહરણ લઈએ તો, સતી તોરલ ખૂબ પાપી એવા જેસલને ઉદ્દેશીને એક પદમાં કહે છેઃ ‘પાપ તારું પ્રકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે; તારી બેડલીને બૂડવા નહીં દઉં, જાડેજા રેપ., એમ તોરલ કહે છે.’ તોરલ જાડેજાને ઉદ્દેશીને ભીતરમાં ધરબાયેલી વાતોને બહાર લાવી કરેલા પાપને પ્રકાશવા આદેશ કરી કહે છે કે- તારા અંતરથી કરેલો પશ્ચાત્તાપ તને તારી પ્રાર્થના સમજી ઈશ્વર તારશે. આ પદ પણ આંતરદૃષ્ટિનું જ ઉદાહરણ છે. આવી ઘણી વાતો આપણા શાસ્ત્રોમાં આપણને જોવા અને જાણવા મળે છે.  મને આ બધી વાતો ખૂબ ગમે છે અને આંતરિક દૃષ્ટિ વડે તેને જાણવા અને સમજવા આપણા જાણીતા કાર્યકર અને પ્રજ્ઞાચક્ષુ કવિ મનુભાઈ એસ. પટેલની પંક્તિ યાદ આવે છે, તેઓ કહે છેઃ

કંઈ કેટલા જન્મો મહીં આપણ સહું મળતા રહ્યા,

કંઈ કેટલા જન્મો ધરી આપણ સૌ વિકસતા રહ્યા.

સાથે ખિલ્યા, સાથે ખર્યા, કંઈ કેટલા ફૂલડાં બની.

સાથે તર્યા, સાથે ઉડ્‌યા, કંઈ કેટલા વિહંગો બની

ધરતા રહ્યા દેહ, ભિન્ન પણ રહ્યા, કંઈ કેટલા સાથે રમ્યા,

સાથે ફર્યા, કંઈ કેટલા જન્મો—–

શ્રી મનુભાઈ પટેલ આ કાવ્ય પંક્તિમાં આપણને કહે છેઃ કેટલા જન્મથી હું અને તમે મળીએ છીએ પણ એકમેકને ઓળખ્યા વિના છૂટા પડી જઈએ છીએ. કોઈવાર સરોવરમાં સાથે તરતા હોઈએ છીએ તો કોઈવાર પક્ષી બની આકાશમાં ઊડતા પણ હોઈએ છીએ પણ એકમેકનાં અંતરમાં સ્થાન પામતા નથી. આ જ છે સાચી આંતર દૃષ્ટિનું દર્શન. કવિ કહે- સાથે ખિલ્યા, સાથે ખર્યા કંઈ કેટલા ફૂલડાં બની. આપણે સફળતાની ઊંચાઈઓ કે પ્રગતિનાં શિખરો સાથે મળી ચડતા હોઈએ છીએ. પરંતુ એકમેકને મળેલી ઊંચાઈ કે સફળતા કાયમી રહે તેની ચિંતા કે ચિંતન કરતા નથી. એ જ છે આપણી આંતરદૃષ્ટિનો વિક્ષેપ એટલે કે ધૂંધળી થયેલી આપણી આંતરદૃષ્ટિ એકમેકને સમજવા દેતી નથી અને આખરે સમયનું ચક્ર પોતાનો આંટો પૂરો કરે છે ત્યારે ખાલી હાથે આપણે પણ તે ચક્રની જેમ લખચોરાસીનો ફેરો ફરવા નીકળી પડીએ છીએ.

આ જ્ઞાનપ્રાપ્તિ મને અને તમને સ્થૂળ બાહ્યદૃષ્ટિ આપી શકે નહીં. બાહ્યદૃષ્ટિની સાથોસાથ જ્યારે આપણે આપણી આંતરિક દ્રષ્ટિને સતેજ કરી શકીશું ત્યારે જ આપણી ‘દિવ્યદૃષ્ટિનો દરબાર’ ખીલી ઊઠશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા યોજાયેલ રકતદાન કેમ્પમાં ર૦૧ બોટલ એકત્ર કરાઈ