રેલવે યુનિયનોની જોરદાર વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી વચ્ચે આખરે રેલવે દ્વારા ટ્રેનોના સંચાલન માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે હાથ મિલાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ સૌથી પહેલા પ્રાઇવેટ કંપની દ્વારા ચલાવવામાં આવનાર છે. આ ટ્રેન પ્રાઇવેટ ઓપરેટર દ્વારા ચલાવવામાં આવનાર પ્રથમ ટ્રેન બનનાર છે. આના માટેના તમામ પાસા પર તૈયારી કરી લેવામાં આવી છે. રેલવે પોતાની બે ટ્રેનોના સંચાલનની જવાબદારી પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોંપવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા આ દિશામાં આગળ વધવાના સંકેત બાદથી જ રેલવે યુનિયનો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રેલવે યુનિયને ટ્રેનના સંચાલનને ખાનગી હાથમાં સોંપવાની કોઇ હિલચાલનો વિરોધ કર્યો છે. રેલવે બોર્ડ એક અન્ય રૂટ પર આગળ વધવાની તૈયારીમાં છે. આ રૂટ પણ ૫૦૦ કિલોમીટરના અંતરની હદમાં જ રહેશે. રેલવે બોર્ડના અધિકારીઓના કહેવા મુજબ દિલ્હી-લખનૌ પ્રથમ રૂટ છે જેના પર ચાલનાર ટ્રેનોનુ સંચાલન પ્રાઇવેટ સેક્ટરના હાથમાં સોંપવાની તૈયારી ચાલી રહી છે. આ સંબંધમાં એક મહિનાની અંદર જ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. આઇઆરસીટીસી દ્વારા તેના મોડલ પર કામ કરવામાં આવી રહ્યુ છે.
તમામ લોકો જાણે છે કે દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસની જાહેરાત વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી. જો કે હાલમાં જારી કરવામાં આવેલા ટાઇમ ટેબલમાં આને સામેલ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ આ રૂટની ખુબ રાહ જોવામાં આવી રહી હતી તે પૈકીની એક ટ્રેન હતી. હાલમાં આ ઉત્તરપ્રદેશના આંનદનગર રેલવે સ્ટેશનના પાર્કિંગમાં છે. ટ્રેન સંચાલનના સંબંધમાં બોલી લગાવવામાં આવ્યા બાદ આને ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવનાર છે.