વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેના શિતલ ડાયમંડ કંપનીમાંથી ૪૦ જેટલા રત્નકલાકારોને છૂટા કરી દેવાયા છે. રત્નકલાકારોને બે દિવસનો સમય આપી અન્ય જગ્યાએ કામ શોધી લેવા માટે જણાવાયું હતું.છૂટા કરાયેલા રત્ન કલાકારો રત્ન કલાકાર વિકાસ સંઘની ઓફિસ પહોંચી ગયા હતા અને પોતાની રજૂઆત કરી હતી. રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે, હાલ મંદીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અમને છૂટા કરી દેવાતા રોજી રોટીનો પ્રશ્ન ઉભો થયો છે. જેથી અમને કંપની દ્વારા ત્રણ મહિનાનો નોટિસ પિરીયડ આપવામાં આવે અથવા તો ત્રણ મહિનાનો પગાર આપવામાં આવે. ભરત નામના રત્નકલાકારે જણાવ્યું હતું કે, અમને લગભગ ૪૦થી વધુ રત્નકલાકારોને છૂટા કરી દીધા છે.
હવે અમારા પરિવારનો પ્રશ્ન ઉભો થયો છે. એક રત્નકલાકારને તો જાડીયો હોવાનું કહીને છૂટો કરી દીધો બાકીનાને કારણ પણ અપાયું નથી. અમને ત્રણ મહિનાના પગાર સહિતની માંગણીઓ પુરી કરવામાં નહી આવે તો અમે આગળ સુધી લડીશું અમારા હકક માટે.