અમદાવાદ શહેરમાં ચાલુ જુલાઇ માસના ૬ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૪૨૪ કેસો મ્યુનિ.હોસ્પિટલોમાં નોંધાયા છે. જેમાં ઝાડા-ઉલટીના ૨૦૩, કમળાના ૬૮ અને ટાઇફોડના ૧૫૩ કેસોમાં દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ બેકાબૂ બની રહ્યો છે. જેના ૭૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ડેન્ગ્યુંના ૪, સાદા મલેરીયાના ૬૪ અને ઝેરી મલેરીયાના ૫ કેસ છે. શહેરીજનો દિનપ્રતિદિન વિવિધ રોગચાળામાં સપડાઇનેે જીવનું જોખમ વહોરી રહ્યા છે. ત્યારે મ્યુનિ.તંત્ર પાંગળી કામગીરી દ્વારા જવાબદારી નિભાવી રહ્યું હોવાની લાગણી શહેરીજનોમાં બળવત્તર બની છે.
અમદાવાદ શહેરમાં ઉનાળાની ૪૪ ડિગ્રી ગરમીના સતત મારા બાદ હવે ચોમાસામાં એક થી બે ઇંચ સુધીનો વરસાદ પડી રહ્યો છે. તેવામાં નજીવા વરસાદમાં જ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા મચ્છરો કાળ બનીને શહેરીજનોને પજવી રહ્યા છે. ઠેરઠેર થયેલા ખોદકામ અને લીકેજ ગટર-પાણીની લાઇનો મોટાભાગના વિસ્તારોમાં દુષિત પાણી લોકોના ઘરોમાં નળ વાટે ઠલવી રહ્યું છે. દુષિત પાણીને લીધે પાણીજન્ય રોગોના કેસો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં મ્યુનિ.તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે. દર વખતની જેમ પ્રિ-મોન્સુન પ્લાન ફક્ત કાગળ પર જ રહી જતો હોવાનું પૂનરાવર્તન આ વર્ષે પણ જોવા મળ્યું હોય તેમ અગાઉથી તકેદારીના પગલા ભરાયા નથી. લીકેજ ગરટ-પાણીની લાઇનોની મરામત, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, મચ્છરોનો ઉપદ્રવ ડામવા દવાના છંટકાવ અને ફોગિંગ વાનો ફરતી કરવા સહિતની કામગીરી નામ માત્રની થતી હોવાથી તેની અસરકારકતા દેખાતી ન હોવાનું નાગરીકો અનુભવી રહ્યા છે.
મ્યુનિ.હોસ્પિટલોમાં આટલી મોટી સંખ્યામાં જો દર્દીઓ સારવાર લેતા હોય તો ખાનગી દવાખાનાઓની શું સ્થિતિ હશે. તે પણ એક પ્રશ્ન છે. રોગચાળા અંગેના જે આંકડા વહિવટીતંત્ર દર્શાવી રહ્યું છે તેના કરતા વાસ્તવિક આંકડો બમણો હોવાનું અનુમાન છે.
શહેરમાં ફક્ત ચોમાસામાં રોડ પર પડતા ભુવાઓ હવે બારેમાસ ગમે ત્યારે ગમે ત્યાં પડી રહ્યા છે. જે દર્શાવે છેકે શહેરમાં વર્ષો જુની ગટર-પાણીની લાઇનો હવે બોદી થઇ ગઇ છે. તેના લીકેજ માનવ સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરી રહ્યા છે. તેમજ શહેરના રોડને પણ બોદા બનાવી રહ્યા છે.