શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર રોડ પર ફરતા ઢોર પકવા જતી કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલાના બનાવો વધ્યા છે. જેમાં મણીનગરમાં કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પર હુમલો કરાયો હતો જેમાં એસઆરપીનો એક જવાન ઘાયલ થયો હતો. મણીનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ દક્ષિણ પુર્વ ઝોનના મણીનગરમાં હીરાભાઈ ટાવર નજીક જાહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હોવાની માહિતી મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગના સેનેટરી ઈન્સપેક્ટર પિયુષકુમાર જે.વ્યાસ તેમની ટીમ પોલીસ અને એસઆરપીના સ્ટાફ સાથે હીરાભાઈ ટાવર પહોંચ્યા હતા. જ્યાં તેમની ટીમે રખડતા ઢોર પકડીને વાહનમાં ઢોર ચઢાવવા જતા અમિત અને બળદેવભાઈ કે.રબારી તથા અન્ય શખ્સોએ તેમની સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા.
તેમણે એસ.આર.પી.ના જવાન ગૌરાંગ એમ.પરમારનો યુનિફોર્મ પકડીને ફાડી નાંખ્યો હતો. તે સિવાય આરોપીઓએ અમે તારૂ ઘર જોયું જોયેલું છે આવતા જતા તારા ટીંટીયા તોડી નાંખીશું કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમણે જવાનને બિભત્સ ગાળો બોલીને લાકડીથી હુમલો કરતા હાથ પર ઈજા પહોંચી હતી.
આ અંગે સેનેટરી ઈન્સ્પેક્ટર પિયુષકુમાર વ્યાસે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ત્રણ જણાની ધરપકડ કરી હતી. છેલ્લા ઘણા સમયથી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે અને ઢોર પકડવા જતી ટીમ પર હુમલાના બનાવો વધ્યા છે. જેમાં વટવા, અમરાઈવાડી, ઓઢવ, સિંગરવા અને બાપુનગરમાં મ્યુનિ.ની ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમો પર હુમલાના બનાવો બન્યા છે.