સતત ભેજવાળી આબોહવાને કારણે નિષ્ક્રીય થયેલા સ્વાઇનફ્લૂના ચેપી વાયરસ ફરી સક્રિય થયા છે જેને પગલે આરોગ્ય તંત્ર અગાઉથી જ જાણતું હતું જેના કારણે જિલ્લાના તબીબોને સતર્ક કરી દેવામાં આવ્યા હતા તે દરમિયાન ગાંધીનગર તાલુકાના શેરથા ગામમાંથી ૨૧ વર્ષિય યુવાન એચવનએનવન પોઝિટિવ આવ્યો છે. જેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તો સિવિલ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો તથા ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને પણ આ સ્વાઇનફ્લૂ બાબતે માહિતગાર કરીને એલર્ટ રહેવા સુચના આપવામાં આવશે.
શિયાળાની ઠંડી આબોહવામાં સ્વાઇનફ્લૂના એચવનએનવન વાયરસ આક્રમક બન્યા હતા અને ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્વાઇનફ્લૂએ હાહાકાર મચાવ્યો હતો જેમાં શહેર અને જિલ્લામાં મળીને સો જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જ્યારે આ સ્વાઇનફ્લૂ જિલ્લામાં જીવલેણ પણ બન્યો હતો.ત્યારે ઉનાળાની આકરી ગરમી વચ્ચે આ જીવલેણ વાયરસ નિષ્ક્રીય થઇ ગયા હતા જે સતત ભેજવાળી આબોહવા રેહવાને કારણે પુનઃ સક્રિય થયા છે. આ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી જ એક્સન પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. જેને લઇને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ સતર્ક કરી દેવામાં આવ્યા હતા. તે વચ્ચે આજે સ્વાઇનફ્લૂનો સિઝનનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.
ગાંધીનગર તાલુકાના શેરથા ગામમાં રહેતા ૨૧ વર્ષિય યુવાનને છેલ્લા ઘણા દિવસોથી શરદી-ખાંસી સહિત તાવ રહેતો હતો આ ઉપરાંત આ દર્દીને ગળામાં સતત બળતરાની તકલીફ પણ રહેતી હતી. જેને લઇને આ યુવા દર્દીની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી.ત્યાં તબીબે તેમનો ટેસ્ટ કરાવતા યુવાન દર્દી સ્વાઇનફ્લૂ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લામાં આ પ્રથમ કેસ સામે આવ્યા બાદ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. એટલુ જ નહીં, ગાંધીનગર સિવિલ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર તથા ખાનગી હોસ્પિટલના તબીબોને પણ આ સ્વાઇનફ્લૂ અંગે માહિતગાર કરવામાં આવશે તથા તેમને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના ટેસ્ટ કરાવવા સુચના પણ આપવામાં આવી છે.
ગાંધીનગર તાલુકાના શેરથા ગામના યુવાનનો સ્વાઇનફ્લૂનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ ચેપી વાયરસ રોગચાળાનું રૂપ ન લઇ લે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. જેમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિઓમાં શંકાસ્પદ લક્ષણો જણાઇ આવ્યા હતા.
જેના પગલે આ પાંચ સભ્યોને શંકાસ્પદ દર્દી ગણીને ટેમીફ્લૂની દવા આપી દેવામાં આવી હતી અને તેમને જરૂર જણાય તો ટેસ્ટ કરીને સઘન સારવાર લેવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં પણ આરોગ્યલક્ષી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. યોગીતા તુલશીયાને જણાવ્યું હતું.