ગાંધીનગર મહાનગર પાલિકા વોર્ડ – ૩ ની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર મિત્તુલ જોષીએ વોર્ડ – ૩ ના સ્થાનિક તેમજ પ્રજાકીય કામો કરવાનો પુનરોચ્ચાર આજે પત્રકાર પરિષદમાં કરતાં જણાવ્યું હતું કે, પ્રજાકીય કામો થતાં નથી જેથી સામાન્ય જનતાને સ્પર્શતા અને જાહેર કામો જેવા કે બગીચા સ્વચ્છતા, પંચદેવ મંદિરનો પ્રશ્ન વગેરેને પ્રાધાન્ય આપી જીત્યા બાદ કામો કરવાની ખાત્રી આપી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે આ વોર્ડ કોંગ્રેસનો છે અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે છે. ભાજપની ખરાબ રીતિ-નીતિને કારણે કોંગ્રેસના ઉમેદવારને લાલચ આપી મેયર બનવા માટે પક્ષપલ્ટો કરી પ્રવિણ પટેલ મેયર બની ગયા હતા. પરંતુ તેના કરતાં પણ સનિષ્ઠ ઉમેદવાર મુકીને અમે ફરી કોંગ્રેસની જીત નકકી કરવાના છીએ. તેમને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મેયરની ચૂંટણી વખતે કોંગ્રેસી કોર્પોરેટરના અપહરણમાં મુખ્ય સંકળાયેલાને ભાજપે ટીકીટ આપી છે. બહારનો ઉમેદવાર છે જેથી કોંગ્રેસ સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. મહાનગર પાલિકા વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ સૌને આવકારતાં કોંગ્રેસની જીત થવાની નકકી છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સૂર્યસિંહ ડાભી ઉપરાંત અને કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.