રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા પરિવારોને તેમજ કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ નો ઉદ્દેશ છે. આ યોજના વર્ષ ૨૦૧૬-૧૭ થી અમલમાં આવી છે. એક પણ પરિવાર ઘરવિહોણો ન રહે તેવા લક્ષ્યાંક સાથે આ યોજનાનું અમલીકરણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના હેઠળ બે વર્ષમાં ભાવનગર, જામનગર, પાટણ અને ખેડા જિલ્લામાં ૧૮,૦૨૭ આવાસોનાં કામ પુર્ણ થયા છે. આ માટે રૂ.૨૨,૦૮૪.૬૦ લાખનો ખર્ચ થયો છે. વિધાનસભા ખાતે ગારિયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણી, પાલીતાણા ધારાસભ્ય ભીખા બારૈયા અને મહુવા ધારાસભ્ય આરસી મકવાણા દ્વારા ભાવનગર જિલ્લામાં ૩૧ માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ તૈયાર થયેલા આવાસો અંગેના પુછાયેલા પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યુ કે, છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં ૩૪૩૬ આવાસો મંજૂર થયા છે. જે પૈકી ૩૦૧૦ આવાસોનાં કામ પૂર્ણ થયા છે.
અને તે માટે કુલ ૪૪૦૬.૨૦ લાખનો ખર્ચ થયો છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા દ્વારા પાટણ જિલ્લામાં ૩૧ માર્ચ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો અંગેના પુછાયેલા પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યુ કે, પાટણ જિલ્લામાં ૧૦,૨૧૭ આવાસો મંજૂર થયા છે. જે પૈકી ૯,૦૯૭ આવાસોનાં કામ પૂર્ણ થયા છે અને તે માટે કુલ રૂ.૧૦,૯૧૬.૪૦ લાખનો ખર્ચ થયો છે.