ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજરોજ શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક તથા વિસ્તારકશ્રીઓની બેઠક યોજાઇ હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, આજની ભાજપાના વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક એ ભાજપા માટે એક મહત્વની બેઠક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં ૨૦૧૯ લોકસભાની ચુંટણીઓમાં ઐતિહાસિક બહુમતિ સાથે ભાજપાનો ભવ્ય વિજય થયો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કુશળ નેતૃત્વ અને સંગઠનાત્મક ચૂંટણી વ્યુહરચના તથા દેશભરના ૧૧ કરોડ સમર્પિત કાર્યકરોની અથાગ મહેનત, પ્રજાસાધના અને પ્રેરણાદાયી સીધા સંપર્કની ફલશ્રૂતિને પરિણામે કેન્દ્રની ભાજપા સરકારની તમામ લોકકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને જનજન સુધી પહોંચાડવામાં સફળતા મળી છે ત્યારે જનતા તરફથી મળેલ જનસમર્થન અને જનમતના આધારે લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપાના ઐતિહાસિક વિજય બાદની તમામ ચૂંટણીઓમાં પણ ભાજપાને સફળતા પ્રાપ્ત થઇ છે. વાઘાણીએ સૌ કાર્યકર્તાઓને હાકલ કરતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમની કાર્યશક્તિ, નિર્ણયશક્તિને દેશની જનતાને સ્વીકારી છે અને તેમનું સ્પષ્ટ પ્રતિબિંબ પ્રજાના જનાદેશમાં જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રપ્રથમ અને ‘‘સર્વજન હિતાય સર્વજન સુખાય’’ ભાજપાનું એક માત્ર લક્ષ્ય રહ્યુ છે અને રાષ્ટ્રહિતમાં જ બધી સમસ્યાઓનું સમાધાન છે તેવી ભાજપાની વિચારધારા રહી છે. ભાજપાના સર્વસ્પર્શી – સર્વવ્યાપી રાષ્ટ્રવાદી વિચાર જનમાનસના હદયમાં પ્રસ્થાપિત કરી જનસેવા અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે જનતાને ભાજપા સાથે જોડવા માટેનો આ મહાઉત્સવ એટલે ભાજપાનું સદસ્યતા અભિયાન. ભાજપાના પ્રત્યેક કાર્યકર જનજન સુધી પહોંચી ‘‘સંપર્ક થી સંવાદ અને સંવાદ થી સમર્થન’’ને વ્યાપક બનાવી ભાજપાની વિચારધારા સાથે વધુને વધુ લોકોને જોડવા માટેનો યજ્ઞ એટલે ભાજપાનું સદસ્યતા અભિયાન.
આ પ્રસંગે ભાજપાના પ્રદેશ સંગઠન મહામત્રી ભીખુ દલસાણીયાએ સૌને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપાની ગૌરવપૂર્ણ જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં જનતાનો ભાજપા પરનો અભૂતપૂર્વ વિશ્વાસ દર્શાવે છે. લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ અને દ્રઢ સંકલ્પના પરિણામે છેલ્લા ૩૦ વર્ષ બાદ દેશમાં પૂર્ણ બહુમત સાથેની કેન્દ્રમાં ભાજપાની સરકાર બનાવવાની અભૂતપૂર્વ સિધ્ધિ મેળવવામાં ભાજપાને સફળતા પ્રાપ્ત થઇ છે. આ લોકસભાની ચૂંટણીઓમાં દેશભરમાં ૧૭ રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલાવી શકી નથી. ગત ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં ૨૨૪ બેઠકો એવી હતી કે જેમાં ભાજપાને ૫૦ ટકાથી વધું મત મળ્યા છે.