ભાવનગરમાં વસતા શ્રધ્ધાળુઓ દ્વારા ભાવનગરથી દ્વારકાને જોડતી બસ સેવાની લાંબા સમયથી માંગ કરી રહ્યાં હતા. આ સેવાને એસ.ટી. વહિવટી તંત્ર દ્વારા મંજુરી આપતા આજથી આ સ્લીપર બસ સેવાનો પ્રારંભ કરાયો હતો.
વિશ્વ પ્રસિધ્ધ યાત્રધામ દ્વારકા ખાતે ભાવનગર શહેર-જિલ્લામાંથી પ્રતિદિન અનેક શ્રધ્ધાળુઓ દર્શન અર્થે જતા હોય છે પરંતુ આ યાત્રાધામનું અંતર ભાવનગરથી વધુ હોય યોગ્ય સમયે આ તિર્થ સ્થળ સુધી પહોંચી શકાય તેવી પરિવહન સેવા જુજ પ્રમાણમાં હોય જેને લઈને લોકો સાનુકુળ પરિવહન સેવાની લાંબા સમયથી માંગ કરી રહ્યાં હતા. આ બાબતને વહિવટી તંત્રએ હકારાત્મક અભિગમ સાથે સ્વીકારી સેવા શરૂ કરવા મંજુરી આપતા ભાવનગર એસ.ટી. ડીવીઝન દ્વારા ન્યુ બ્રાન્ડ સ્લીપર બસ ફાળવવામાં આવી છે. આ બસ ભાવનગર ડેપોથી રાત્રે ૯ કલાકે ઉપડી વાયા રાજકોટ જામનગર થઈને સવારે પ કલાકે દ્વારકા પહોંચશે. એ જ રીતે દ્વારકાથી પણ રાત્રે ૯ કલાકે આ સ્લીપર કોચ ઉપડી સવારે પ વાગે ભાવનગર પહોંચશે. આજરોજ ટ્રાફીક કંટ્રોલર માલીવાડે ડેપો મેનેજર રવિભાઈ નિર્મળ તથા ત્રણેય યુનિયનના સભ્યોની હાજરી વચ્ચે લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું.