સ્વિસ બેંકોમાં ભારતીયોના ખાતાની માહિતી હવે ટૂંક સમયમાં સત્તાવાર રીતે મળવાની છે. ૩૦ સપ્ટેમ્બરની સમયસીમાથી પહેલા ભારત અને સ્વિટઝરલેંડ બેંકીંગ સંબંધી માહિતીઓનું પહેલીવાર આદાન-પ્રદાન કરશે. આ બંને દેશો વચ્ચે ઓટોમેટિક એકસચેંજ ઓફ ઇન્ફોર્મેશન (એઇઓઆઇ) સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. આ સમજુતી જાન્યુ. ર૦૧૮ થી અમલી બની હતી.
એક અહેવાલ અનુસાર સ્વિસ નાણા મંત્રાલય અને સ્વિસ ફેડરલ ટેક્ષ એડમીનીસ્ટ્રેશનના અધિારીઓએ જણાવ્યું છે કે ભારતના મામલામાં એવી સંભાવના છે કે માહિતિ અનેક હપ્તામાં મોકલવી પડશે. આના થી એ બાબતનો અંદાજ લગાવી શકાય કે સ્વીસમાં બધા ભારતીયોના બેંક ખાતાની માહિતીને ભારતના ટેક્ષ અધિકારીઓ સાથે શેયર કરવી પડી શકે છે.
સ્વીસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ૭૩ દેશોના બેંક ખાતાઓની માહિતી શેયર કરાશે. ભારત આમાંથી એક છે. ગયા વર્ષે ૩૬ દેશો સાથે એઇઓઆઇ સમજુતી લાગુ થઇ હતી. એવું જણાય છે કે બેંક ખાતા સાથે જોડાયેલી માહિતી શેયર કરવા માટે સ્વીસમાં સંસદીય પ્રક્રિયા પુરી થઇ ગઇ છે.
આ વર્ષે સ્વીસ બેંકોમાં ભારતીયો દ્વારા રખાતા નાણાના મામલામાં ભારતનું સ્થાન ૧ પોઇન્ટ ઘટીને ૭૪ પર થયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનું સ્થાન ૭૩ મું હતું. જયારે તે પહેલાના વર્ષે ૮૮ માં ક્રમે હતું.