જેનેરિક દવાઓના વેચાણથી સામાન્ય નાગરિકોને રૂ. ૨૦૦૦ કરોડનો લાભ થયો હોવાની માહિતી સરકારે લોકસભાને આપી હતી. શૂન્યકાળ દરમિયાન રાજ્ય કક્ષાના રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝીંગ ઑથોરિટી (એનપીપીએ)એ નક્કી કરેલા ભાવે જ બધા દવા ઉત્પાદકોએ દવાઓ વેચવી પડશે, પછી એ બ્રાન્ડેડ હોય કે જેનેરિક હોય. દવાઓ પર લોકલ ટેક્સ પણ આપવાનો રહેશે.
આ પ્રસંગે એમણે ૧૦૦૦થી વધુ દવાઓના ભાવ નક્કી કરવા અને હૃદયરોગના દર્દીઓ માટે સારવારના દર ઘટાડવા સહિત સરકારે લીધેલા પગલાં વિશે લોકસભાને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના હેઠળ વેચાતી જેનેરિક દવાઓ ટોપ ત્રણ બ્રાન્ડની દવાઓની સરખામણીએ સરેરાશ ૫૦-૯૦ ટકા ઓછા ભાવે વેચાય છે. એમણે સાંસદોને જનઔષધી માટેની વધુ દુકાનો ખૂલે એ માટે પ્રોત્સાહન આપવાની વિનંતી કરી હતી. પાછલા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ ૫૦૨૮ કેન્દ્ર શરૂ કરાયા હતા. આ યોજના હેઠળ ૯૦૦ દવા અને ૧૫૪ સર્જિકલ સાધનોને આવરી લેવામાં આવ્યા છે, એમાંથી જનઔષધી કેન્દ્રોમાં ૭૧૪ દવા અને ૫૩ સર્જિકલ સાધનો વેચાય છે.