મીઠાખળી વિસ્તારમાં આવેલા પીજીમાં રહેતા લોકોના મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓની ચોરી કરતા યુવકની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. ચોરી કરનાર યુવક સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. અગાઉ તે જ પીજીમાં રહેતા યુવક જ હતો. જેથી તેને પકડી પોલીસ હવાલે કર્યો હતો.
મીઠાખળી વિસ્તારમાં મેઘદૂત એપાર્ટમેન્ટમાં આવેલા જલારામ પીજીમાં હેમરાજ કણઝારીયા અને તેના મિત્રો રહે છે. ચાર દિવસ પહેલા મોડી રાતે પીજીનો દરવાજો ખુલ્લો હતો ત્યારે તેમના પીજીમાંથી બે મોબાઈલ, રોકડ રકમ અને અન્ય વસ્તુની ચોરી થઈ હતી. આ બાબતે પીજીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં એકાદ મહિના અગાઉ પીજીમાં રહેતો મિત બકરાણીયા નામનો યુવક દરવાજામાંથી આવ્યો હતો અને બાદમાં ચાદર ઓઢી નીકળી ગયો હતો. મિત શાસ્ત્રીનગર વિસ્તારમાં સરદાર પટેલ નગરમાં રહે છે.
મિતને મળી ચોરીના મોબાઈલ આપવા જણાવ્યું હતું પરંતુ તેણે ચોરી કબૂલી નહોતી. સીસીટીવી ફૂટેજમાં પોતે કેદ થઈ ગયો હોવાનું જણાવતા તેણે કબૂલાત કરી હતી. નવરંગપુરા પોલીસે મિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.