ઊંઝા તાલુકાના વરવાડા ગામના અને વરમોર ગામની યુવતી સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવકને યુવતીના પરિવારજનોએ હત્યા કરી ચકચાર મચી ગઇ હતી. અનૂસુચિત જાતિના મૃતક યુવકની મંગળવારે સાંજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ કરાઇ હતી.
ઊંઝા તાલુકાના વરવાડા ગામનો વતની અને વ્યવસાય અર્થે વર્ષોથી પરિવાર સાથે કચ્છના વરસામોરી ગામે રહી ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હરેશ ઉર્ફે આનંદ યશવંતભાઈ ગણપતભાઈ સોલંકી (ઉ.વ.૨૬)એ માંડલ તાલુકાના વરમોર ગામની દરબારની દીકરી ઉર્મિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
બે મહિના અગાઉ ઉર્મિલાને તેના પરિવારજનો વરમોર લઇ ગયા હોઇ હરેશ તેની પત્નીને લાવવા ૧૮૧ અભયમની મદદ લઇ સોમવારે સાંજના માતા સુશીલા તેમજ સંબંધી ધીરુભાઈની સાથે વરમોર ગયો હતો. અભયમના કર્મીએ હરેશને સાથે નહીં આવવા સમજાવ્યો પણ કોઈ વિવાદ નથી તેમ કહેતાં તેને સુરક્ષાના ભાગરૂપે ગાડીની પાછળની સીટમાં બેસાડ્યો હતો.
અભયમનો સ્ટાફ ઉર્મિલાના મા-બાપને સમજાવી પરત ફરતાં હરેશને ગાડીમાં ડ્રાયવર સાથે આગળ બેઠેલો જોતાં યુવતીના પિતા દશરથસિંહ ઝાલા જોઈ જતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતા અને ઇન્દ્રજીતસિંહ, હસમુખસસિંહ, પરબતસિંહ, હરિચંદ્રસિંહ, જયદીપસિંહ, અજયસિંહ વગેરે ઘાતક હથિયારો લઇ તૂટી પડતાં અભયમનો સ્ટાફ જીવ બચાવી ભાગ્યો, પણ ગાડીને આંતરી હરેશને બહાર કાઢી કરાયેલા જીવલેણ હુમલામાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
અભયમનાં ભાવિકાબેન નવજીભાઈ ભમોટે ૯ જણા વિરુદ્ધ માંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, મૃતક હરેશ સોલંકીની લાશ મંગળવારે વરવાડા ગામે ભીમરાવ સોસાયટી સ્થિત નિવાસ સ્થાને લાવવાની હોઇ ઊંઝા પોલીસે સુરક્ષાના ભાગરૂપે ૩ પીએસઆઇ અને ૨૫ પોલીસ ગોઠવી દીધી હતી. સામાજિક આગેવાનોની ઈચ્છા ઊંઝા પોલીસ મથકે લાશ લઇ જઈ ફરાર આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ધરણાં કરવાની હતી, પણ સમજુ સામાજિક આગેવાનો તેમજ પોલીસની કુનેહથી મામલો થાળે પડી સાંજે ૬.૩૦ કલાકે વરવાડા ગામે દલિત સમાજના સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમવિધિ કરાઇ હતી.