ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને ABVPના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

515

ગ્રાન્ટેડ કોલેજોની સીટો રદ કરવા મામલે ગુજરાત યુનિવર્સિટી કુલપતિની ચેમ્બરની બહાર એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મામલે  એનએસયુઆઈ ના અને એબીવીપીના સેનેટ સભ્યો અને કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ અને સિક્યુરિટીની હાજરીમાં બબાલઃ સરકારી ગ્રાન્ટેડ કોલેજોની ૯૬૦ સીટો રદ કરવા મામલે ગઈકાલે એબીવીપીના નેતાઓ કુલપતિને રજૂઆત કરવા માટે તેમની ચેમ્બરમાં ગયા હતા ત્યારે ત્યાં  એનએસયુઆઈના ડોક્ટર દિગ્વિજયસિંહ ગોહિલ, પાર્થિવરાજ કઠવાડિયા અને સુભાન સૈયદ સહિતના કાર્યકરો વચ્ચે એડમિશન કમિટીના વિરોધને લઈ બોલાચાલી થઈ હતી. એનએસયુઆઈ  અને એબીવીપીના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને યુનિવર્સિટી પોલીસ અને સિક્યુરિટીની હાજરીમાં છુટ્ટા હાથની મારામારી કરી હતી. બંને પક્ષોએ સામસામે ગાળાગાળી અને અસભ્ય વર્તન કર્યું હતું. આ ઘટનામાં એબીવીપીના આનંદ પારેખને સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. એબીવીપીના સેનેટ સભ્ય કૌશિક જૈન તેમજ કુશ પંડ્‌યા, નરેશ દેસાઈ, આનંદ પારેખ, રવિ પટેલ અને મૌલિક દેસાઈ સહિતના કાર્યકરોએ પણ  એનએસયુઆઈ ના કાર્યકરોને માર માર્યો હતો.

આ મામલે દિગ્વિજયસિંહ ગોહિલ, પાર્થિવરાજ, ધવલ પટેલ, હરેશ વાઢેર, પ્રવીણ નકુમ, ઉપેન્દ્રસિંહ જાડેજા, રમેશ ચૌધરી, હસમુખ ચૌધરી, સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે એબીવીપીના વિમલ રાઠોડે જ્યારે આનંદ પારેખ, કુશ પંડ્‌યા, નરેશ દેસાઈ, કૌશિક જૈન, મૌલિક દેસાઈ, ચિંતન ભાવસાર, રવિ પટેલ સહિતના કાર્યકરો સામે  એનએસયુઆઈ ના ગોપાલ મહિડાએ ફરિયાદ નોંધાવી છે.

Previous articleમોલ-મલ્ટીપ્લેક્સમાં ર્પાકિંગ ચાર્જ બંધ, ચાર્જ લેનાર સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ
Next articleભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ વચ્ચે જંગ જામશે