ગાંધીનગર મહાનગર પાલિકામાં વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી જંગમાં રહેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસની સાથે હવે એનસીપી અને એક અપક્ષ ઉમેદવાર જ મેદાનમાં રહયા છે. એનસીપી અને અપક્ષ ઉમેદવારને મનાવવામાં બન્ને મુખ્ય પક્ષો નિષ્ફળ રહેતા હવે ચૂંટણી જંગ જામશે. હવે ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ થઈ ગયો છે. બન્ને મુખ્ય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવનાર છે.
ગાંધીનગર મહાનગર પાલિકામાં વોર્ડ નં.૩ની ખાલી પડેલી આગામી તા.ર૧મી જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ સાત ફોર્મ ભરાયા હતા. કોંગ્રેસના મિત્તુલ જોષી ઉપરાંત ભાજપના પ્રણવ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું હતું તો એનસીપીમાંથી અમરસિંહ શિવાજી ચૌહાણ, અપક્ષમાંથી હસમુખ પોપટભાઈ વાળા, ભાજપના ડમી તરીકે અમીતકુમાર રમણભાઈ પટેલ, અપક્ષ મોહિતસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા અને જીતેન્દ્ર રમણભાઈ પટેલે ફોર્મ ભર્યા હતા.
આ સાત પૈકી ગઈકાલે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન અમિત પટેલ, મોહિતસિંહ ઝાલા અને જીતેન્દ્ર પટેલના ફોર્મ રદ થયા હતા ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બાકી રહેલા એનસીપીના અમરસિંહ ચૌહાણ અને અપક્ષ ઉમેદવાર હસમુખવાળાને મનાવવાના પુરતા પ્રયાસ થયા હતા અને તેમાં સફળતા મળી નહોતી અને બન્ને ઉમેદવારો મેદાનમાં જ રહયા હતા. આજે ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જતાં ભાજપના પ્રણવ પટેલ, કોંગ્રેસના મીતુલ જોષી ઉપરાંત એનસીપી અને અપક્ષ ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામશે.
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.