કર્ણાટકમાં રાજકીય કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે નારાજ થયેલા સભ્યોને મનાવવાના એકબાજુ પ્રયાસ યુદ્ધના સ્તરે ચાલી રહ્યા છે. બીજી બાજુ અસંતુષ્ટો પણ પોતાના વલણ ઉપર મક્કમ બનેલા છે. કર્ણાટક કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલા કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારની મુંબઈ પોલીસે પવાઈ સ્થિત હોટલની બહારથી અટકાયત કરી લેવામાં આવી હતી. આ હોટલમાં કોંગ્રેસ જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યો રોકાયેલા હતા. અસંતુષ્ટ ધારાસભ્યોએ શિવકુમારથી ખતરો હોવાની વાત કરી છે અને સાથે સુરક્ષાની માંગ કરી હતી. ટેન્શનને ધ્યાનમાં લઇને હોટલની આસપાસ પહેલાથી કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. શિવકુમાર અસંતુષ્ટ ધારાસભ્યોને મળ્યા વગર જવા માટે તૈયાર ન હતા. શિવકુમાર સાડા છ કલાક સુધી હોટલની બહાર રોકાયેલા રહ્યા હતા. મુંબઇ પોલીસે બપોરે આશરે અઢી વાગે ડીકે શિવકુમારને આખરે કસ્ટડીમાં લઇ લીધા હતા. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ બેંગ્લોરમાં રાજભવનની બહાર પ્રદર્શન કરતી વેળા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શિવકુમાર અને અન્ય કોંગ્રેસી નેતાઓને અટકાયત કરવામાં આવ્યા બાદ કલિના યુનિવર્સિટીના રેસ્ટહાઉસમાં લઇ જવામાં આવ્યા હતા. આ પહેલા સવારે આશરે આઠ વાગે ડીકે શિવકુમાર અને જેડીએસના ધારાસભ્યો હોટલમાં પહોંચ્યા હતા. બીજી બાજુ કર્ણાટકમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે મુખ્યમંત્રી કુમારસ્વામીને મંગળવારના દિવસે આંશિક રાહત થઇ હતી. વિધાનસભા સ્પીકર કેઆર રમેશકુમારે એવો નિર્ણય કર્યો હતો કે, તેઓ ૧૩ ધારાસભ્યોના રાજીનામાના મામલાને ધ્યાનમાં લઇને નિર્ણય લેવામાં ઓછામાં ઓછા છ દિવસ લાગશે. રાજીનામુ આપી દેનારમાં ૧૦ કોંગ્રેસી અને ત્રણ જેડીએસ ધારાસભ્યો છે. સ્પીકરનું કહેવું છે કે તેમને માત્ર પાંચ ધારાસભ્યોના રાજીનામા જ યોગ્ય ફોર્મેટમાં મળ્યા છે.
કર્ણાટક કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમાર, જેડીએસના ધારાસભ્ય શિવલિંગે ગૌડા અને કેટલાક અન્ય કોંગ્રેસી નેતા રાજ્ય સરકાર પર આવેલા સંકટને ખતમ કરવામાં દિન રાત એક કરી રહ્યા છે. આ તમામ સભ્યો નારાજ થયેલા કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે આજે મુંબઇ પહોંચી ગયા હતા. આ નેતા એ હોટેલમાં પહોંચી ગયા હતા જ્યાં કોંગ્રેસના બળવાખોર ૧૦ ધારાસભ્યો રોકાયેલા છે. સિવકુમારને હોટેલની અંદર પ્રવેશ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમને પ્રવેશની મંજુરી આપવામાં આવી ન હતી. મુંબઇ પોલીસે કહ્યુ છે કે શિવકુમારને કોંગ્રેસના ધારાસભ્યોને મળવાની મંજુરી આપવામાં આવી ન હતી. જ્યારે શિવકુમારે કહ્યુ છે કે તેઓએ હોટેલમાં રૂમ બુક કરાવ્યુ છે. કોઇને કોઇ પ્રકારની ધમકી આપવામાં આવી રહી નથી. જો કે શિવકુમારે કહ્યુ છે કે તેઓ નારાજ થયેલા ધારાસભ્યોને મળીને જ જશે. જો કે નારાજ ધારાસભ્યોએ કોંગ્રેસના સંકટમોચકને મળવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી બાજુ શિવકુમાર પહોંચી ગયા બાદ હોટેલની બહાર બાજપ અને જેડીએસના નેતા સામ સામે આરોપ કરી રહ્યા છે. ટેન્શનને ધ્યાનમાં લઇને મોટી સંખ્યામાં પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના દાવને નિષ્ફળ બનાવવા માટે નવી યોજના તૈયાર કરી લેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પણ આક્રમક મુડમાં છે.