ગાંધીનગર આમ તો મંદિરોનું શહેર પણ કહેવાય છે. ગાંધીનગરમાં તમામ ભગવાનના લગભગ મંદિરો આવેલા છે. આજે ગાંધીનગરના શિવમંદિરોમાં ભકતો સવારથી જ પુજન-અર્ચન તેમજ બિલીપત્ર-દુધ ચઢાવી શિવને મનાવવા ઉમટી પડયા હતા. ગાંધીનગરમાં પંચદેવ મંદિર જેવા મોટા મંદિરોમાં ખાસ શિવપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે નાના શિવમંદિરોમાં પણ પૂજા,અર્ચના, ભજન, રૂદ્ર પૂજા, રૂદ્રિ યજ્ઞ જેવા અનેક શિવજીને રીજવવાના રસ્તાના ખાસ આયોજનો કરવામાં આવ્યા હતાં.
શિવભક્તો માટે વર્ષનો ખાસ દિવસ એટલે મહાશિવરાત્રિ આજના પવિત્ર દિવસે શિવાલયો સવારથી જ ભક્તોથી ભરચક જોવા મળે છે. ભગવાન શિવનો અભિષેક અને પૂજા કરી શિવભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે આજના આ પવિત્ર દિવસે જાણીએ શિવજીના વિવિધ દ્રવ્યોથી થતાં અભિષેક વિશે અને સાથે જ્યોતિષાચાર્ય પાસેથી એ પણ જાણો કે તેનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે.
મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવની આરાધના માટે ખાસ મહત્વ ધરાવે છે. શિવ ભકત આ તહેવારની આખું વર્ષ રાહ જુએ છે. આ દિવસે ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભકત વ્રત અને આરાધના કરે છે જેથી કરીને તેમની મનોકામના પૂરી કરી શકાય. માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન શિવના માતા પાર્વતી સાથે લગ્ન થયા હતા. ૫૧ વર્ષ પછી એક ખાસ સંયોગ આ દિવસે બની રહ્યો છે. મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ માસની ચતુર્દશીના દિવસે મનાવાય છે. આ વખતે ૧૩ અને ૧૪મી ફેબ્રુઆરી એમ બંને દિવસ શિવરાત્રીનો કહેવાર ઉજવાઇ રહ્યો છે. મહાશિવરાત્રીની પૂજાના મૂહુર્ત ૧૩ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થશે જે ૧૪ ફેબ્રુઆરી સુધી રહેશે.૧૩ ફેબ્રુઆરીના રોજ મંગળવાર છે અને આ સંયોગ ૫૧ વર્ષ બાદ આવ્યો છે કે જ્યારે શિવરાત્રીનો તહેવાર મંગળવારના રોજ હોય. મંગળવારના રોજ મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ શુભ મનાય છે કારણ કે મંગળવારનો દિવસ હનુમાનજીનો હોય છે. ભગવાન અને અને હનુમાનજીનું એક જ રૂપ મનાય છે.